આર્ટિકલ 370: સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ઉદ્ધવ ઠાકરે જૂથે આપ્યું આ નિવેદન
મુંબઈ: વર્ષ ૨૦૧૯માં ભાજપ સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ કલમને રદ કરવાના કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ પિટિશન સામે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરવાના નિર્ણયને યોગ્ય જણાવ્યો હતો, જ્યારે આ મુદ્દે મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી)ની પણ પ્રતિક્રિયા મળી હતી.
યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. ૨૦૧૯માં ૩૭૦ની કલમ રદ કરવાની વાતનું અમે સમર્થન આપ્યું હતું. અમે આશા રાખીએ છીએ કે વર્ષ ૨૦૨૪ના સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાવી જોઈએ અને ત્યાં વહેલામાં વહેતી તકે ચૂંટણી યોજશે.
આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને પણ ખબર છે કે આ નિર્ણયથી તેમને મતદાન કરવાની તક મળશે. જો આ ચૂંટણી પહેલા પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (પીઓકે) પણ ભારતમાં આવી જાય તો પૂરા કાશ્મીરમાં ચૂંટણી થતાં દેશનાનો આ ભાગ અખંડ થઈ જશે.
સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશોની બેન્ચ હેઠળ કલમ ૩૭૦ પર ચુકાદો આપ્યો હતો. અદાલતે જણાવ્યુ હતું કે કલમ ૩૭૦ હેઠળ જમ્મુ અને કાશ્મીર ભારતમાં સામેલ થયું હતું એવા કોઈ પુરાવા મળ્યા નથી એટ્લે આર્ટિકલ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય કાયદાકીય રીતે યોગ્ય છે અને બંધારણ પ્રમાણે કલમ ૩૭૦ના પહેલા ફકરા મુજબ જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.