તો શું રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ભેગા થશે!

મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ થવાની શક્યતાઓ છે. તાજેતરમાં, એક પારિવારિક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની એન્ટ્રીએ પરિવારમાં સમાધાનનો સંકેત આપ્યો છે. શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો કે, બંને નેતાઓએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
રવિવારે રાજ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરેના ભત્રીજા શૌનક પાટણકરના લગ્નમાં ગયા હતા. આ સાથે જ અટકળો શરૂ થઈ હતી કે બંને ભાઈઓ રાજકીય ક્ષેત્રે હાથ મિલાવશે. બાંદ્રા વેસ્ટમાં તાજ લેન્ડ એન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં ઘણા મોટા રાજકારણીઓએ હાજરી આપી હતી. એવી ચર્ચાઓ છે કે રાજ અને ઉદ્ધવ તેમના મતભેદો ભૂલીને આગામી મ્યુનિસિપલ પ્રશાસનની ચૂંટણીમાં સાથે આવી શકે છે.
રિપોર્ટ અનુસાર બંને પક્ષના કાર્યકર્તાઓ બંને ભાઇઓને સમાધાન માટે આગ્રહ કરી રહ્યા છે. ઘણા લોકો માને છે કે બંને નેતાઓના એકસાથે આવવાથી મરાઠી મતો એક થઈ શકે છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે લગ્ન સમારોહમાં રાજના આગમનને ઉદ્ધવ તરફથી શાંતિ પ્રસ્તાવના સ્વીકાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
જોકે, દુલ્હેરાજા શૌનકના પિતા શ્રીધર પાટણકરે જણાવ્યું હતું કે રાજ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ તેમના પુત્રને આશીર્વાદ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘રાજ સાહેબના આગમન પર કોઈ અટકળો કરવાની જરૂર નથી. પારિવારિક સંબંધોના કારણે તેઓ આવ્યા હતા. તેમણે એ પણ માહિતી આપી હતી કે બંને નેતાઓ અલગ-અલગ સમયે આવવાના કારણે મળ્યા નહોતા. અમારા કેટલાક સંબંધીઓ બંનેને મળ્યા હતા.
Also Read – ગુજરાતીઓના મતો પર જીતેલી મહાયુતિએ ગુજરાતીઓની કરી અવહેલના…
સમારંભ દરમિયાન રાજ રશ્મિ અને તેની માતાને મળ્યા હતા. જો કે આદિત્ય ઠાકરે સાથે તેમની મુલાકાત થઈ શકી નહોતી. રાજકીય નિષ્ણાતો કહે છે કે શિવસેના, UBT અને MNS વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ જ મરાઠી મતોના વિભાજનનું કારણ બની રહી છે. રાજ અને ઉદ્ધવ 2006માં આંતરિક વિવાદને કારણે અલગ થઈ ગયા હતા. રાજે MNSની રચના કરી. તે જ સમયે ઉદ્ધવને અવિભાજિત શિવસેનાની કમાન મળી હતી.
દરમિયાન મનસેએ પણ એવા સંકેત આપ્યા હતા કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ઘણું અંતર છે. મનસેના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં, MNSએ વરલી સીટ પર આદિત્ય ઠાકરે સામે કોઇ ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજે આ નિર્ણય ઠાકરે પરિવારના સભ્યના ચૂંટણી ડેબ્યૂના સન્માનમાં લીધો હતો. જો કે, જ્યારે રાજનો પુત્ર અમિત માહિમથી ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે ઉદ્ધવની પાર્ટીએ મહેશ સાવંતને તેમની સામે મેદાનમાં ઉતાર્યા હતા.