આમચી મુંબઈમહારાષ્ટ્ર

Shocking: એપીએમસીમાં ૩૦૦ ટનથી વધુ બટાકા ફેંકવાની આવી નોબત

નવી મુંબઈઃ મુંબઈ સહિત દેશમાં જીવનજરુરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેમાં શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે વધતા ભાવ વધારાથી સામાન્ય જનતા પરેશાન છે. શાકભાજીના ભાવમાં વધારાના અહેવાલ વચ્ચે નવી મુંબઈમાં લગભગ 300 ટન બટાકા ફેંકવાની નોબત આવવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

મુંબઈની કૃષિ પેદાશ કાંદા બટાકા બજારમાં પ્રવેશતા બટાટા મોટા પ્રમાણમાં સડી રહ્યા હોવાથી તેને કચરામાં ફેંકવામાં આવી રહ્યા છે. એપીએમસીમાં દરરોજ ઉત્તર પ્રદેશમાંથી બટાકાની ૩૦ થી ૪૦ ગાડીઓ આવે છે.

જોકે, વરસાદના કારણે ત્યાંથી ભીના બટાકા ભરવામાં આવી રહ્યા છે. ત્યાંથી બટાટાને બજારમાં પહોંચતા બે-ત્રણ દિવસ લાગે છે. તેમાં એપીએમસી માર્કેટમાં ૧૫-૨૦ દિવસથી વજનકાંટો બંધ હોવાથી બહારથી વજન કર્યા બાદ ગાડી બજારમાં વેચાણ માટે દાખલ કરવામાં વિલંબ થઈ રહ્યો છે, પરિણામે બટાકાના વેચાણમાં વિલંબ થાય છે અને બટાટા મોટા પાયે બગડે છે.

આ પણ વાંચો: સળગતું શાકભાજીઃ વરસાદે ગરમીથી આપ્યો છૂટકારો પણ મોંઘવારીથી પરસેવો વળી ગયો

સોમવારથી સ્થિતિ વણસી અને બુધવારે બજારમાં બટાકાનો મોટો જથ્થો સડી ગયો હતો. આ સડેલા બટેટા બજારમાં ગમે ત્યાં પડ્યા હોવાથી મોટા પાયે દુર્ગંધ ફેલાઈ હતી. તેથી, ૩૦૦ થી૩૫૦ ટન સડેલા બટાકા તુર્ભે ખાતે કચરામાં ફેંકવામાં આવ્યા હતા.

જોકે, બજારમાં માત્ર ૨૦ થી ૩૦ ટકા જ સારી ગુણવત્તાના બટાટા ઉપલબ્ધ છે. પરિણામે બજારમાં સારા બટાકાની માંગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે. અગાઉ ૨૨-૨૫ રૂપિયા પ્રતિ કિલો મળતા બટાકા હવે ૨૬-૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button