બિલ્ડરનું અપહરણ કરીને ખંડણી માગવાના કેસમાં વધુ એક આરોપી ઇન્દોરથી ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના બિલ્ડરનું અપહરણ કરીને તેના પરિવારજનો પાસે રૂ. 10 કરોડની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ ઇન્દોરથી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મઝહર શાકિર ઉર્ફે શાનુ શાહ (22) તરીકે થઇ હોઇ તેને અદાલતે પોલીસ કસ્ટડી ફટકારી હતી. આ કેસમાં અગાઉ ગેન્ગસ્ટર ઇલિયાસ બચકાના સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી મઝહર શાકિરે ઇન્દોરથી મુંબઈ આવીને સાથીદારો સાથે ગુનો આચર્યો હતો અને બાદમાં તે મોહંમદ શફીક નામના આરોપી સાથે ફરાર થઇ ગયો હતો.
મઝગાંવ વિસ્તારમાં રહેતા બિલ્ડર અન્સારીનું 23 નવેમ્બરે રાતે મઝગાંવ સર્કલથી ત્રણ આરોપીએ કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં આરોપીઓએ અન્સારીના પરિવારજનોનો સંપર્ક કરીને રૂ. 10 કરોડની ખંડણી માગી હતી. આ પ્રકરણે અન્સારીના પુત્રએ નોંધાવેલી ફરિયાદને આધારે ભાયખલા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં ગેન્ગસ્ટર બચકાના પર આક્ષેપ કરાયો હતો.
આ કેસની તપાસ કરી રહેલી ભાયખલા પોલીસે વાજીદ યાસીન શેખ, કરીમ વાજીદ ખાન અને આલમગીર મલિકને ઝડપી પાડ્યા હતા, જ્યારે ખંડણી વિરોધી શાખાએ ગોવંડીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીકથી ઇલિયાસ બચકાના અને નૌશાદ અકબરઅલી શેખની ધરપકડ કરી હતી. આ કેસ બાદમાં ખંડણી વિરોધી શાખામાં ટ્રાન્સફર કરાયો હતો.
પોલીસના કહેવા મુજબ ખંડણીની રકમ તાત્કાલિક ન મળતાં આરોપીઓએ અન્સારીની મારઝૂડ કરી હતી. અન્સારીને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.