Fadanvis VS Deshmukh: અનિલ દેશમુખનો ફડણવીસને પડકાર, પુરાવા જાહેર કરો
તથ્ય કે તૂત? બે વર્ષ બાદ ધૂણ્યું વસૂલી કૌભાંડનું ભૂત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શહેરના બાર પાસેથી 100 કરોડની ખંડણીની વસૂલી, દિશા સાલિયાન મર્ડર કેસ, મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો મળવા આ બધા જ લગભગ બેથી ત્રણ વર્ષ જૂના કેસોની ચર્ચા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કરેલા આરોપો બાદ ફરી જાગી છે. ફડણવીસ અને પરબ બંનેએ તેમની પાસે એકબીજા વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે અનિલ પરબે ફડણવીસને તેમની પાસે રહેલા ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ જાહેર કરવાનો પડકાર ફેંક્યો છે.
આ પણ વાંચો: મને દેવેન્દ્ર ફડણવીસના માણસે ખોટા એફિડેવિટ કરવા કહ્યું હતુંઃ જાણો કોણે કહ્યું ને ભાજપે શું જવાબ આપ્યો
ફડણવીસે દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ખરાબ બોલતા હોવાનું રેકોર્ડિંગ તેમની પાસે છે અને તે જાહેર કરવાની ચીમકી પણ આપી હતી. જેનો જવાબ આપતા દેશમુખે પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે ફડણવીસે તેમની પાસે રહેલા પુરાવા જાહેર કરવા જોઇએ કારણ કે હું જાણું છું કે તેમની પાસે છે જે નહીં.
બંને પક્ષ તરફથી એકબીજા પર આરોપો થઇ રહ્યા છે ત્યારે આ વિવાદ ફક્ત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાના કારણે ઊભો કરવામાં આવ્યો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
પુરાવા સામે પુરાવો
એકબાજુ ફડણવીસે તેમની પાસે પરબ વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે બીજી બાજુ પત્રકાર પરિષદ દરમિયા પરબે પોતાના હાથમાં એક પેન ડ્રાઇવ બતાવી હતી. આ પેન ડ્રાઇવમાં તેમની પાસે ફડણવીસ વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો હતો. આ પેન ડ્રાઇવમાં ફડણવીસે પોતાને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અજિત પવારને ફસાવવા સોગંદનામા પર સહી કરવા દબાણ કર્યું તેનો વીડિયો હોવાનો દાવો પરબે કર્યો હતો.