કોંગ્રેસને આંચકો ભૂતપૂર્વ પ્રધાન અનીસ અહેમદ વંચિત બહુજન આઘાડીમાં જોડાયા…

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા અનીસ અહેમદ સોમવારે મુંબઈમાં વંચિત બહુજન અઘાડી (વીબીએ)માં જોડાયા હતા. તેઓ નાગપુર સેન્ટ્રલ એસેમ્બલી સીટ પરથી ચૂંટણી લડશે. પ્રકાશ આંબેડકર હાલમાં વંચિત બહુજન આઘાડીના વડા છે.
આ પણ વાંચો : કૉંગ્રેસના મુસ્લિમ નેતાએ ઉદ્ધવસેનાના બૉયકોટની હાકલ કરતા ખળભળાટ
પાર્ટીના વડા પ્રકાશ આંબેડકરની હાજરીમાં અનીસ અહેમદને વીબીએમાં સામેલ કરવામાં આવ્યા હતા. વંચિત બહુજન આઘાડીએ વિધાનસભા ચૂંટણીમાં નાગપુર સેન્ટ્રલ મતદારક્ષેત્રથી તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી.
પ્રકાશ આંબેડકરની પાર્ટીમાં જોડાયા બાદ અનીસ અહેમદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો પણ આરોપ લગાવ્યો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અહેમદે કહ્યું હતું કે, મેં 15 વર્ષ સુધી નાગપુર સેન્ટ્રલ એસેમ્બલી સીટનું પ્રતિનિધિત્વ કર્યું છે. મેં જોયું છે કે કોંગ્રેસે વિદર્ભ પ્રદેશમાં કેટલીક ટિકિટો એવા લોકોને વેચી છે જેને કારણે મુસ્લિમ, તેલી અને દલિતો જેવા સમુદાયોનું લગભગ કોઈ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.
વંચિત બહુજન અઘાડીમાં જોડાયા બાદ અનીસ અહેમદે કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે, મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો કારણ કે તે સોશિયલ એન્જિનિયરિંગ કરવામાં નિષ્ફળ ગઈ. વિદર્ભ પ્રદેશમાં કોંગ્રેસે મોટાભાગે કુણબીઓને ટિકિટ આપી છે અને અન્ય સમુદાયોની અવગણના કરી છે.
પ્રકાશ આંબેડકરની પાર્ટી વીબીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડી સાથે સંકલન કરી શકી નથી, જેના પછી તે એકલા હાથે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. તાજેતરમાં પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ અને ભાજપ બંનેની ટીકા કરતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે જો હું દલિતો, આદિવાસીઓ, ઓબીસી, મુસ્લિમો અને દલિત લોકો માટે અને હિંદુ રાષ્ટ્ર વિરુદ્ધ અવાજ ઉઠાવું છું તો ભાજપના લોકો મારી સાથે દુર્વ્યવહાર કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જો હું કોંગ્રેસ અને તેના સહયોગીઓની દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ વિરોધી નીતિઓ સામે અવાજ ઉઠાવું છું તો કોંગ્રેસના લોકો મને ભાજપની બી-ટીમ કહે છે. મારી હાલત ‘રઝિયા ગુંડો મેં ફસ ગઈ’ જેવી થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે, જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.