અંધેરીમાં પતંગના માંજાથી સ્કૂટરસવારનું ગળું ચીરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી ફ્લાયઓવર પરથી પસાર થતી વખતે પતંગના માંજાને કારણે બોરીવલીના સ્કૂટરસવારનું ગળું ચીરાયું હોવાની ઘટના બની હતી. સદ્નસીબે સ્કૂટરસવારની શ્ર્વાસનળી જરાક માટે બચી ગઈ હતી, પરંતુ માંજાએ ઊંડો ઘા કર્યો હોવાથી સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
મકરસંક્રાંતિ નિમિત્તે બુધવારે ઠેર ઠેર પતંગ ચગાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન પતંગના માંજાએ બોરીવલીમાં રહેતા ભરત કદમ (45) માટે જીવનું જોખમ ઊભું કરી દીધું હતું. સાંતાક્રુઝની ખાનગી કંપનીમાં કામ કરતા કદમને સારવાર માટે વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અંધેરી પોલીસે બ્રિજ પરના વીજળીનાં થાંભળા સાથે લપેટાયેલો માંજો જપ્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર કદમ રોજ સ્કૂટર પર જ ઑફિસ જતો હતો. બુધવારે બપોરે બે વાગ્યાની આસપાસ કદમ અંધેરી ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજો તેના ગળા ફરતે ભેરવાઈ ગયો હતો. લીલા કલરના ચાઈનીઝ માંજાને કારણે કદમના ગળા પર એટલો ઊંડો ઘા થયો હતો કે તેનું સ્કૂટર લોહીલુહાણ થઈ ગયું હતું. ગંભીર હાલતમાં જ તેણે પત્ની અને ભાઈને ફોન કરી તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.
ઘવાયેલા કદમને રિક્ષામાં વી. એન. દેસાઈ હૉસ્પિટલ લઈ જવાયો હતો. ગળું કપાવાને કારણે તેની સારવાર માટે પ્લાસ્ટિક સર્જનની પણ સલાહ લેવામાં આવી હતી. ગળામાં શ્ર્વાસનળી સુધી કાપો પડ્યો હતો, પણ સદ્નસીબે શ્ર્વાસનળીને નુકસાન થયું નહોતું. તેની ગરદન પર પણ ટાંકા લેવા પડ્યા હતા. ઘટના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ પર લટકતા બધા માંજા કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.



