આમચી મુંબઈ

અંધેરી બ્રિજ પર ભયાનક અકસ્માતમાં ચાર જખમી: હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ

ઓવરટેકના પ્રયાસમાં ડિવાઈડર કુદાવી કાર સામેની દિશામાં ગઈ, જેને કારણે પાંચ વાહન એકબીજા સાથે અથડાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નોકરી-વ્યવસાયે જવાના સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતને કારણે લોકો ટ્રાફિક જૅમમાં ફસાયા હતા. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈએ જીવ ગુમાવ્યો નહોતો, પણ આરોપી કાર ડ્રાઈવર સહિત ચાર જખમી થયા હતા. ઓવરટેકના પ્રયાસમાં ડિવાઈડર કુદાવીને કાર સામેની દિશામાં જતી રહેતાં પાંચ વાહન એકબીજા સાથે અથડાયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અંધેરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત પશ્ર્ચિમ એક્સપ્રેસ હાઈવે પર ગુંદવલી પાસેના ફ્લાયઓવર પર સોમવારની સવારે 7.45 વાગ્યાની આસપાસ થયો હતો. આરોપી કાર ડ્રાઈવરની ઓળખ મંગેશ સાનપ (41) તરીકે થઈ હતી. મલાડમાં રહેતા સાનપ વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. અકસ્માતમાં સાનપને પણ ઇજા થઈ હોવાથી સારવાર માટે તેને જોગેશ્ર્વરીની ટ્રોમા કૅર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આ પણ વાંચો: મુંબઈમાં બેસ્ટની બસના અકસ્માતમાં ડિલિવરી બોયનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર સાનપ કારમાં મલાડ તરફ જઈ રહ્યો હતો. કારમાં તેની સાથે એક મિત્ર પણ હતો. અંધેરી બ્રિજ પર વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં સાનપે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

બેકાબૂ કાર ડિવાઈડ સાથે ભટકાઈને સામેની દિશામાં જતી રહી હતી. એકાએક કાર વિરુદ્ધ દિશામાંથી આવતાં બાન્દ્રા તરફ જતાં વાહનો એકબીજાને અથડાયાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ ચાર કાર અને એક ટેમ્પો સાથે આ ટક્કર થઈ હતી. ઘટનાને પગલે આ વાહનોને પણ નુકસાન થયું હતું.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના મંદસૌરમાં ગમખ્વાર અકસ્માત, કાર કૂવામાં ખાબકી 12 લોકોના મોત

સવારના સમયે મોટા ભાગના નોકરિયાતો અને વ્યાવસાયિકો દક્ષિણ મુંબઈની દિશામાં પ્રવાસ કરતા હોય છે. અકસ્માતને કારણે કલાકો સુધી બધા રઝળી પડ્યા હતા. હાઈવે પર વાહનોની લાંબી લાઈન નજરે પડતી હતી.

દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે સાનપને ગંભીર ઇજા થતાં તેને ટ્રોમા હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે તેના મિત્રને નજીવી ઇજા થઈ હતી. એ સિવાય ગંભીર જખમી પ્રશાંત વાયંગરકર (32)ને સારવાર માટે કૂપર હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button