આ જુઓ મુંબઈની એસી લોકલમાં પાણી થયું લીકેજ, પ્રવાસીએ શું લખ્યું?

મુંબઈ: શહેરમાંથી વિદાય લેવાનું વરસાદને મન ન હોય તેમ હજી વરસ્યા જ કરે છે. ભારે વરસાદ વચ્ચે પણ મુંબઈ લોકલ ખાસ ચર્ચામાં રહે છે અને આ વખતે એસી લોકલમાં પાણી લીકેજ થવાને કારણે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મુંબઈની એસી લોકલ ટ્રેનના કોચમાં પાણી લીકેજ થતું સ્પષ્ટ દેખાય છે.
આ વીડિયો એડવોકેટ આશિષ રાય નામના એક પ્રવાસી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેઓ તે જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. શનિવારે રાત્રે અંધેરીથી ભાયંદર જતી એક એસી લોકલ ટ્રેનમાં અચાનક પાણી લીક થવા લાગ્યું હતું અને એના કારણે પ્રવાસીઓએ રેલવે વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.

એડવોકેટ આશિષના જણાવ્યા મુજબ, પાણી લીક થવાને કારણે મુસાફરોને સીટ પરથી ઉભા રહેવું પડયુ હતું અને ઘણા લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી હતી. તેમણે આ ઘટના અંગે પશ્ચિમ રેલવેને પણ ફરિયાદ કરી છે. પશ્ચિમ રેલવેએ હવે આ મામલે પ્રતિક્રિયા આપી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે સંબંધિત ફરિયાદમાં રેક યુનિટ નંબર 7013-7016 તરીકે ઓળખવામાં આવ્યો છે.
આજે સવારથી આ રેક લાઇન પર સતત ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આમ છતાં, મુસાફરોની ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવશે અને રેકનું નિરીક્ષણ કરવામાં આવશે અને જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે. રેલવેએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો…મુંબઈની એસી લોકલમાં ‘લીકેજ’, વાયરલ વીડિયોનો રેલવેએ જવાબ આપ્યો