
દિવાઃ મધ્ય રેલવેમાં દરરોજ કંઈક નવું ના થાય તો જ નવાઈ અને પ્રવાસીઓને ફરી એક વખત રેલવેના રેઢિયાળ કારભારનો અનુભવ થયો હતો. મધ્ય રેલવેના દિવા રેલવે સ્ટેશન પર એસ્કેલેટર ચઢી રહેલાં પ્રવાસીઓ સાથે કંઈક એવું બન્યું હતું કે લોકો ચોંકી ઉઠ્યા હતા.
એમાં થયું એવું કે બપોરે અઢી વાગ્યાની આસપાસ ઈલેક્ટ્રિસિટી સપ્લાય ન હોવાને કારણે એસ્કેલેટર્સ બંધ હતા. થોડી જ વારમાં ઈલેક્ટ્રિસિટી આવી જતા એસ્કેલેટર્સ ચાલુ થયું ખરુ પણ એની સાથે ખરી મોકાણ પણ એ જ સમયે થઈ… આ એસ્કેલેટર ઉંધી દિશામાં એટલે કે અપ એસ્કેલેટર ડાઉન દિશામાં શરૂ થતાં પ્રવાસીઓમાં ગૂંચવણમાં મૂકાઈ ગયા.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવા સ્ટેશન પર 2019માં એસ્કેલેટર બેસાડમાં આવ્યું હતું. આ એસ્કેલેટર પ્રવાસીઓની સુવિધા માટે બેસાડવામાં આવ્યો હોવા છતાં પણ દિવસમાં બેથી ત્રણ વખત આ એસ્કેલેટર બંધ જ હોય છે.
ઘટનાની વાત કરીએ તો બપોરે અઢી વાગ્યાની આસપાસ બંધ પડેલાં એસ્કેલેટરનો પ્રવાસીઓ ઉપયોગ કરી રહ્યા હતા, પણ અચાનક ઈલેક્ટ્રિસિટી સપ્લાય શરૂ થઈ જતાં તે રિવર્સ ડિરેક્શનમાં શરૂ થઈ જતાં પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. બે મહિલા પ્રવાસીઓ તો પડતાં પડતાં બચી ગઈ હતી. અચાનક જ એસ્કેલેટરની દિશામાં થયેલો આ ફેરફાર પ્રવાસીઓને સમજાયો નહીં, જેને કારણે સમસ્યા ઊભી થઈ હતી.
જોકે, આ પહેલાં વખત નથી કે મધ્ય રેલવે પર પ્રવાસીઓની સુવિધા માટેબેસાડવામાં આવેલા એસ્કેટલેટર્સ જ પ્રવાસીઓ માટે માથાનો દુઃખાવો બન્યા હોય. અવારનવાર પ્રવાસીઓ દ્વારા વિવિધ સ્ટેશન પર એસ્કેલેટર્સ બંધ પડ્યા હોવાની ફરિયાદ કરવામાં આવતી હોય છે.
રેલવે પ્રશાસને આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને તેને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવાની માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ પ્રવાસીઓ આ ફરિયાદ રેલવે અધિકારીઓના બહેરા કાન સુધી પહોંચતી નથી જેને કારણે તેમણે પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે.