…અને સચિન… સચિન…ના નારાથી ગૂંજી ઉઠ્યું વાનખેડે સ્ટેડિયમ, આ હતું કારણ

મુંબઈઃ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કોઈ મેચ ના હોવા છતાં પણ સચિન… સચિન…ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ફેન્સનો જમાવડો જોડવા મળ્યો હતો અને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે ફેન્સને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આખો કાર્યક્રમ હતો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકના સ્ટેચ્યુના અનાવરણનો…
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ નજીકમાં જ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એમસીએ) દ્વારા બનાવવામાં આવ્યું છે અને આજે આ સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા.
વાનખેડે ખાતે ઊભું કરવામાં આવેલું આ સ્ટેચ્યુ તેના 50 વર્ષને સમર્પિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે અહીં જ મેચ રમાવવાની છે. આ સ્ટેડિયમ સચિન તેંડુલકર માટે તેનું હોમ ગ્રાઉન્ડ હોવાની સાથે સાથે મનપસંદ સ્ટેડિયમ પણ રહ્યું છે. પોતાની કારકિર્દીની છેલ્લી મેચ સચિને આ જ સ્ટેડિયમમાં રમી હતી.
માસ્ટર બ્લાસ્ટરનું આ સ્ટેચ્યુ અહેમદનગરના મૂર્તિકાર પ્રમોદ કાંબળેએ બનાવ્યું છે અને તે શોટ રમી રહ્યો હોય એવી મુદ્રામાં બનાવવામાં આવ્યું છે. 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેન બે ટેસ્ટ સિરીઝ રમ્યાના 10 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડમાં સચિનનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે અને આ લોન્ચ ઈવેન્ટ વખતે આખું સ્ટેડિયમ સચિન… સચિન…ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સચિને ફેન્સને ઓટોગ્રાફ આપ્યા હતા અને સેલ્ફી પણ ક્લિક કરાવ્યા હતા.