ભારતીય ફૂડ આઇટમ્સને આ હસીનાએ ગણાવી હતી ઘૃણાસ્પદ, હવે અંબાણી પરિવારમાં લગ્નમાં આવી
મુંબઇઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આજે એટલે કે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને વિદેશના ઘણા VVIP મહેમાનો હાજરી આપશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સામેલ થવા માટે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ લગ્નમાં હાજરી આપવા માટે રિયાલિટી ટીવી સ્ટાર અને અમેરિકન મોડલ કિમ કાર્દાશિયન પણ આવી છે.
નોંધનીય છે કે 12 વર્ષ પહેલા કિમ કાર્દાશિયને ભારતીય ભોજનને ઘૃણાસ્પદ ગણાવ્યું હતું. હકીકતમાં, 2012માં કીપિંગ અપ વિથ ધ કાર્દાશિયન્સના એક એપિસોડમાં તેણે ભારતીય ખોરાકને ઘૃણાસ્પદ ગણાવ્યો હતો. આ માટે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે કહ્યું હતું કે તેનો ઈરાદો ભારતીય લોકોનું અપમાન કરવાનો ન હતો.
કિમ કાર્દાશિયન ફેમસ મોડલ છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 36 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. કિમ અને તેની બહેન ખલો કાર્દાશિયન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા મુંબઈ પહોંચી ગયા છે. જે ભારતીય ફૂડને તેણે ઘૃણાસ્પદ ગણાવ્યું હતું, એ જ ભારતીય ફૂડનો સ્વાદ માણવા હવે કિમ તેની બહેન સાથે ભારત આવી છે. તે ગુરુવારે રાત્રે જ મુંબઇમાં આવી પહોંચી હતી.
અનંત-રાધિકાના લગ્ન માટે 2500થી વધુ ફૂડ આઈટમ્સ તૈયાર કરવામાં આવી છે. તેની જવાબદારી વિવિધ ફૂડ વેંડર્સને આપવામાં આવી છે. 10 થી વધુ આંતરરાષ્ટ્રીય શેફ ખાદ્યપદાર્થો તૈયાર કરશે. અંબાણી પરિવારે ઇન્ડોનેશિયાની કોકોનટ કેટરિંગ કંપનીને બોલાવી છે, જે મહેમાનોને 100 થી વધુ નારિયેળની વાનગીઓ રજૂ કરશે. ખાદ્ય ચીજોમાં કાશી ચાટ અને મદ્રાસ કાફેની ફિલ્ટર કોફી પણ સામેલ હશે. મહેમાનોને ઇટાલિયન અને યુરોપિયન સ્ટાઈલનું ફૂડ પણ પીરસવામાં આવશે. ઇન્દોરના વડા ફૂડ મેનૂમાં ગરાડુ ચાટ, મુંગલેટ અને કેસર ક્રીમનો સમાવેશ થાય છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી સ્પેશિયલ ફૂડના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે.