અમે બંને ભાઇ Fevikwikથી જોડાયેલા છીએ, કોઇ ત્રીજું નહીં આવી શકે, અનંત અંબાણીએ આમ કેમ કહ્યું જાણો….
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન કરવાના છે. અંબાણી પરિવારમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટ પણ શરૂ થઈ ગઇ છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીત દરમિયાન અનંત અંબાણીએ પોતાના ભાઈ આકાશ અંબાણીને રામ અને બહેન ઈશા અંબાણીને પોતાની માતા ગણાવતા અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી અને તેઓ વચ્ચે કોઈપણ પ્રકારની ભાંજગડ કે વિવાદ વિભાજનનો ઈન્કાર કર્યો હતો.
જ્યારે અનંત અંબાણીને રિલાયન્સના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના અવસાન પછી રિલાયન્સ પરિવારમાં વિભાજન જેવું કંઈક થવાની સંભાવના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આવી કોઈ આશા નથી. અનંત અંબાણીએ કહ્યું કે મને આવી કોઈ ચિંતા નથી, મારો ભાઈ મારો રામ છે અને મારી બહેન માતા સમાન છે અને બિઝનેસને લઈને અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. તેમણે કહ્યું કે જો તમે આગળ અને પાછળના લોકોની વાત સાંભળો છો તો જ પરિવારમાં સ્પર્ધાની સંભાવના વધે છે અને જો તમને એકબીજા પર પૂરો વિશ્વાસ હોય તો એવી કોઈ શક્યતા નથી. અનંત અંબાણીએ કહ્યું કે અમે ભાઈ-બહેનો Fevikwikથી એકબીજા સાથે જોડાયેલા છીએ.
બિઝનેસ વિશે વાત કરતાં અનંતે કહ્યું કે મારા પિતા મારા પ્રેરણાસ્ત્રોત છે. અમારું ધ્યાન સૌર ઉર્જા અને ગ્રીન-બાયો એનર્જી પર છે. અમે સ્પર્ધા વિશે બિલકુલ વિચારતા નથી. અનંત અંબાણીએ કહ્યું કે મારા પિતા મુકેશ અંબાણી હંમેશા કહે છે કે પ્રોડક્ટ પર ધ્યાન આપો, સ્પર્ધા પર ધ્યાન ન આપો, જો આપણું ઉત્પાદન શ્રેષ્ઠ હશે તો સ્પર્ધામાં કોઈ નહીં હોય. આ સિવાય પિતા કહે છે કે કોઈપણ કાર્યમાં સફળતા કે નિષ્ફળતા પછી તેનું પોસ્ટમોર્ટમ ન કરો, આગળ વધો.
આપણે ધંધામાં ઘણું આગળ વધવાનું છે, પિતા પાસેથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે.
આપણે આપણી જાતે ઘણું કરવાનું છે. અનંત અંબાણીએ કહ્યું કે આપણે આખી ટીમ સાથે આગળ વધવાનું છે. તેમણે કહ્યું કે હું ઘરમાં સૌથી નાનો છું, તેથી હું મારા ભાઈ આકાશ અંબાણી અને બહેન ઈશા અંબાણી પાસેથી પણ બિઝનેસને લઈને સલાહ લઈ રહ્યો છું.
નોંધનીય છે કે વર્ષ 2002માં ધીરુભાઈના અવસાન બાદ રિલાયન્સ પરિવારને પણ ભાગલાનો ભોગ બનવું પડ્યું હતું. તે સમયે રિલાયન્સનો વિશાળ બિઝનેસ તેમના બે પુત્રો વચ્ચે વહેંચાયેલો હતો. આ વિભાજન દરમિયાન, નાના પુત્ર અનિલ અંબાણીને નવા યુગના વ્યવસાયો આપવામાં આવ્યા હતા, જેમાં જૂથના ટેલિકોમ, ફાઇનાન્સ અને એનર્જી બિઝનેસનો સમાવેશ થતો હતો. જ્યારે મોટા પુત્ર મુકેશ અંબાણીને તેમના જૂના વ્યવસાય પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ રિફાઇનરી અને ઓઇલ-ગેસના વ્યવસાયથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે, આજે મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે, જ્યારે અનિલ અંબાણીનો બિઝનેસ સારો ચાલી રહ્યો નથી અને તેમની ઘણી કંપનીઓ વેચાવાના આરે છે.