લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યા અનંત અંબાણી, બાપ્પાના આશિર્વાદ લીધા
મુંબઇ: અંબાણી પરિવાર ઘણો જ ધાર્મિક છે. તેઓ ધર્મમાં માને છે અને દરેક તહેવાર ઘણા જ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. મુકેશ અંબાણીના પુત્ર અને પુત્રીઓ પણ એવા જ ધાર્મિક છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અનંત અંબાણી પણ ગણપતિ બાપ્પાના પરમ ભક્ત છે. અનંત અંબાણી દર વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. લગ્ન બાદ તેમણે પહેલી વાર પત્ની રાધિકા સાથે મળીને બાપ્પાનું ઘરમાં સ્વાગત કર્યું હતું અને બે -અઢી દિવસ બાદ ધામધૂમથી બાપ્પાનું વિસર્જન કરી વિદાય આપી હતી. ઘરના ગણપતિ બાપ્પાને વિદાય આપ્યા બાદ અનંત અંબાણી હવે લાલબાગચ્યા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે કે અનંત અંબાણી વાદળી રંગના સિલ્કના કુર્તા પાયજામામાં બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા. તેમણે કંકુ,ચોખા ચઢાવી બાપ્પાને પગે લાગી આશિર્વાદ લીધા હતા અને ત્યાર બાદ તેમના કાફલા સાથે ત્યાંથી રવાના થયા હતા. આ વીડિયો જોઇને લોકો કહી રહ્યા છે કે અનંત અંબાણી બાપ્પાના ખરા ભક્ત છે. લોકો તેમના સનાતન મૂલ્યોની પણ પ્રશંસા કરી રહ્યા છે.
આ પણ વાંચો : અમિત શાહ પહોંચ્યા લાલબાગના રાજાના દરબારમાં, અજિત પવાર ગેરહાજર!
આ વખતે લાલબાગચ્યા રાજાના માથા પર રિઅલ સોનાનો 20 કિલોનો મુગટ શોભી રહ્યો છે, જેની અંદાજિત કિંમત 16 કરોડ રૂપિયા છે. આ મુગટ અનંત અંબાણીએ બાપ્પા માટે ભેટમાં આપ્યો છે. અનંત અંબાણી લાલબાગચ્યા રાજાની મેનેજિંગ કમિટીમાં સામેલ છે. તેઓએ અહીં મેડિકલ સુવિધા પણ પૂરી પાડી છે. અહીં મહિલાઓ અને બાળકોની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. અંબાણી પરિવાર દ્વારા અહીં મેડિકલ સેન્ટર અને સીસીટીવી કેમેરાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.