આમચી મુંબઈ

ભાજપ અને બન્ને શિવસેના વચ્ચે જૂનિયર અંબાણી મિડલમેન? મહારાષ્ટ્ર રાજકારણમાં ધણધણાટી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવનારા નવેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી પહેલાંની ચૂંટણીઓ કરતા અલગ છે કારણ કે 2019 પછી અહીં નવા રાજકીય સમીકરણો રચાયા છે. મહાયુતીમાં રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને તેમની સાથે શિવસેના અને એનસીપીના એક એક જૂથ છે, જેનું નેતૃત્વ અનુક્રમે એકનાથ શિંદે અને અજિત પવાર કરે છે જ્યારે મહાવિકાસ આઘાડીમાં પણ રાષ્ટ્રીય પક્ષ કૉંગ્રેસ સાથે શિવસેના અને એનસીપીનું એક જૂથ છે જેનું નેતૃત્વ અનુક્રમે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર કરે છે.

| Also Read: કૉંગ્રેસે લગાવ્યો અજિત પવારની NCP પર હોર્સ ટ્રેડિંગનો આરોપ

આ 2019 પછીનું ચિત્ર છે, પરંતુ કુદરતી સાથી પક્ષો તરીકે રાજ્યમાં વર્ષોથી કૉંગ્રેસ-એનસીપી અને ભાજપ-શિવસેના રહ્યા છે. હાલમાં તો ભાજપ શિવસેના અલગ છે અને શિવસેનાના પણ બે ભાગલા પડી ગયા છે ત્યારે છેલ્લા એક મહિનામાં થયેલી ત્રણ મુલાકાતોએ આ છૂટા પડેલા ઘટકો ફરી એક થશે કે શું તેવી ચર્ચાને જોર આપ્યું છે.

આ મુલાકાતોમાં ત્રણ પક્ષના વરિષ્ઠ નેતા છે અને તેમને જોડતી કડી તરીકે ઊભરી આવ્યા છે ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ગઈકાલે મોડી રાત્રે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત બંધ બારણે હતી અને લગભગ દોઢેક કલાક ચાલી હતી. આ મુલાકાત પહેલા મુકેશ અંબાણી પુત્ર અનંત સાથે બન્ને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને ત્યારબાદ એકનાથ શિંદેને મળ્યા હતા.

મહારાષ્ટ્રમાં 25 વર્ષ સુધી ભગવી યુતી તરીકે ભાજપ અને શિવસેનાએ કામ કર્યું છે, તેમના હાથમાં રાજ્યની સત્તા ઓછા સમય માટે આવી છે, પરંતુ મુંબઈ સહિતની નગરપાલિકાઓમાં તેઓ સાથે રહ્યા છે. સેના સુપ્રીમો બાળ ઠાકરે અને ભાજપના નેતા પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેના સમયમાં હિન્દુત્વવાદી પક્ષ તરીકે કામ કરતા આ બન્ને પક્ષો હાલમાં તો પડકારોનો સામનો કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મહાયુતીને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો નથી અને કૉંગ્રેસ મોટા પક્ષ તરીકે ફરી બેઠી થઈ છે ત્યારે આ પક્ષોએ સાથે આવવું જોઈએ તેવો મત ઘણા ધરાવે છે.


મુકેશ અંબાણી મુંબઈમાં જ પોતાનું નિવાસસ્થાન અને ઉદ્યોગ સાહસો ધરાવે છે. મૂળ ગુજરાતી હોવા છતાં તેમની કર્મભૂમિ મુંબઈ છે ત્યારે તેમણે રાજ્યમાં સ્થિરતા આવે અને કેન્દ્રની જેમ અહીં પણ ભાજપ ફરી સત્તામાં આવે તેવી તેમની ઈચ્છા હોઈ શકે. અંબાણી સૌ કોઈ માટે સન્માનીય છે અને ગુજરાતી વેપારી તરીકે મુત્સદીગીરી કરી બન્ને પક્ષો વચ્ચે થયેલા મતભેદો અને મનભેદો દૂર કરી શકે છે, તે સૌ કોઈ જાણે છે. આથી તેમણે આવી પહેલ કરી હોઈ શકે. આ કામની કમાન તેમણે જૂનિયર અંબાણી એટલે કે અનંત અંબાણીને સોંપી હોય તેમ જણાય છે.

| Also Read: IPO News: દિવાળી પર આ આઈપીઓ કરાવશે બખ્ખાં, ગ્રે માર્કેટથી મળ્યા ધમાકેદાર લિસ્ટિંગના સંકેત

જોકે આ મુલાકાતો મામલે સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર ન આવી હોવાથી માત્ર અટકળોને આધારે કહી શકાય કે હાલમાં મહારાષ્ટ્રનું રાજકારણ ધણધણી ઉઠ્યું છે અને ચૂંટણી પહેલા કે પછી રાજ્યમાં રાજકીય ભુકંપ આવે તેવી તીવ્ર શક્યતાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button