લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?

મુંબઈઃ લાડકી બહિણ યોજનાનો ફટકો ‘આનંદાચા શિધા‘ સ્કીમને પાડવાનો હોવાથી આ વર્ષે ગણેશોત્સવમાં જનતાને ‘આનંદાચા શિધા’ નહીં આપી શકાય એવી સ્પષ્ટતા કરી રાજ્યના અન્ન પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું કે ‘લાડકી બહિણ’ યોજના માટે 45 હજાર કરોડ ફાળવવાના હોવાથી તેઓ નજીવા ભાવે રેશન નહીં આપી શકે. તહેવારોની મોસમમાં આ યોજના દ્વારા રાજ્યના ગરીબોને ચાર વસ્તુ માત્ર 100 રૂપિયામાં આપવામાં આવે છે.
લાડકી બહિણ યોજના માટે રાજ્યની તિજોરીમાંથી સામટા 45 હજાર કરોડ ફાળવવા પડશે. એની થોડી થોડી અસર અન્ય યોજનાઓ પર પડી રહી હોવાનું છગન ભુજબળે સ્વીકાર્યું છે.
આપણ વાંચો: ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય
હવે રાજ્ય સરકારની આવક વધારવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની સ્પષ્ટતા કરી ભુજબળે વધુમાં જણાવ્યું હતું કે હાલ યોજનાઓ માટે ભંડોળની ફાળવણી નિયમિત નથી. જોકે, જેમ જેમ ભંડોળ મળશે એમ એમ આ યોજનાઓ ચાલુ રાખવામાં આવશે.
રાજ્યમાં ગરીબો માટે શરૂ કરવામાં આવેલી શિવ ભોજન થાળી યોજના બંધ થવાના આરે છે. શિવ ભોજન યોજના ચાલુ રાખવા માટે 140 કરોડ રૂપિયાની જરૂર છે. સરકારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને માત્ર 20 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.