ઇન્જેક્શન આપી આનંદ દિઘેની હત્યા કરાઇ? શિંદે જૂથના વિધાનસભ્યનો મોટો દાવો…
મુંબઈ: શિવસેનાના સ્વર્ગીય નેતા આનંદ દિઘે એ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગુરુ છે એ બધા જ જાણે છે. જોકે, શિંદે જૂથની શિવસેનાના એક વિધાનસભ્યએ આનંદ દિઘેના મૃત્યુ વિશે એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તૃળોમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો :‘Raut ના કારણે દિઘે પર TADA લાગ્યો’: શિંદે જૂથના નેતાનો ચોંકવનારો દાવો…
ઉલ્લેખનીય છે કે આનંદ દિઘેના જીવન પર આધારિત ફિલ્મ ‘ધર્મવીર-2’ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઇ હતી અને તેમાં દર્શાવાયેલા અમુક દૃશ્યોના કારણે વિવાદ ઊભો થયો છે. આ વિવાદ વિશે બોલતા શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું હતું કે આનંદ દિઘેની હત્યા કરવામાં આવી હતી અને આ વાત આખો થાણે જિલ્લો જાણે છે.
શું ખરેખર આનંદ દિઘેને ખભા ઉપર ઊંચકીને એકનાથ શિંદે ગયા હતા એવો પ્રશ્ન પૂછવામાં આવતા શિરસાટે જણાવ્યું હતું કે એ વખતે પરિસ્થિતિ જ એ હતી. આનંદ દિઘેની હત્યા કરવામાં આવી હતી અને એ વાત આખો થાણે જિલ્લો જાણે છે.
બપોરે આનંદ દિઘેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને અચાનક તેમનું મૃત્યુ થઇ ગયું. બોલતા-ચાલતા મૃત્યુ થયું. આ બધી વાત સમય જતા સામે આવશે. એ હૉસ્પિટલમાં આગ લાગી હતી અને તેમાં અનેક દરદીઓ હતા. એ બધાને બચાવવાનું કામ શિવસૈનિકોએ કર્યું હતું. તેમાં એકનાથ શિંદે સૌથી આગળ પડતા હતા. એકનાથ શિંદેને મહત્ત્વ આપવામાં આવ્યું એમાં લોકોને વાંધો પડી રહ્યો છે.
શિરસાટે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે અકસ્માતના દિવસોથી મેં દિઘેસાહેબને જોયા છે અને અનુભવ્યા છે. હું ત્યાં ગયો પણ છું. અકસ્માત પછીની પરિસ્થિતિ મેં જોઇ છે. તેમના માથાને માર લાગ્યો નહોતો. તેમને જ્યાં માર લાગ્યો તેના કારણે તેમનું મૃત્યુ થયું નહોતું. તો પછી ડિસ્ચાર્જ બાદ હાર્ટ અટેક કેવી રીતે આવ્યો? કોઇએ શું તેમને ઇન્જેક્શન આપ્યું હતું જેના કારણે હૃદયમાં ફુગ્ગો તૈયાર થયો? એ વખતે આ બાબતની તપાસ થવી જોઇતી હતી.