‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?

મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કૉંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સિઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ર્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહાગઠબંધનમાં ઉત્તર પશ્ર્ચિમ બેઠક ભાજપને ફાળે જવાની ચર્ચા હતી, પરંતુ હવે શિંદે જૂથ આ બેઠક પરથી ઉમેદવાર ઊભા રાખવાની હિલચાલ
કરી રહ્યું છે. અહેવાલ છે કે ગોવિંદા થોડા સમય પહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા.
ગજાનન કીર્તિકર ઉત્તર પશ્ર્ચિમ લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ છે. કીર્તિકર શરૂઆતમાં લોકસભાની ઉમેદવારીને લઈને આક્રમક જોવામાં આવ્યા હતા, પરંતુ ઠાકરે જૂથે તેમના પુત્ર અમોલ કીર્તિકરને તે જ મતવિસ્તારમાં ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. એ પછી ગજાનન કીર્તિકર કંઈક અંશે નરમ પડ્યા અને ચૂંટણી ન લડવાનો નિર્ણય કરીને તેઓ બેકફૂટ પર ગયા. જે બાદ આ બેઠક ભાજપના ફાળે ગઈ હોવાની ચર્ચા ચાલી હતી.
કૉંગ્રેસની ટિકિટ પર લોકસભાના મેદાનમાં ઊતરેલા અભિનેતા ગોવિંદાએ કેન્દ્રીય મંત્રી રામ નાઈક લગભગ ૫૦ હજાર મતોની સરસાઈ મેળવીને હરાવ્યા હતા. મતવિસ્તારના લોકો કહેતા હતા કે ગોવિંદા જ્યારે સાંસદ હતા ત્યારે તેમના સંપર્કમાં નહોતા. સંસદમાં પણ તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. એક વર્ષની અંદર ગોવિંદાએ રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેણે તે સમયે નિવેદન પણ આપ્યું હતું કે તેણે રાજકારણમાં જોડાઈને પોતાનો સમય વેડફ્યો હતો અને તેની ફિલ્મી કારકિર્દીને પણ અસર થઈ હતી, પરંતુ હવે ગોવિંદા રાજકીય ક્ષેત્રે કમબેક કરશે તેવી વાતો ચાલી રહી છે.