અમરાવતીમાં ભાજપને ઝટકો: ફડણવીસના ભાઈ અને શ્રીકાંત ભારતીયના ભાઈની હાર

અમરાવતીઃ વિદર્ભમાં નાગપુર પછી સૌથી પ્રતિષ્ઠિત અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને બે મોટા ઝટકા લાગ્યા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના મામાના દીકરા વિવેક કલોટીનો પરાજય થયો છે, જયારે ધારાસભ્ય શ્રીકાંત ભારતીયના ભાઈ વિવેક ભારતીયને પણ હારનો સામનો કરવો પડ્યો છે. જેથી અમરાવતીમાં ભાજપને બેવડો ફટકો પડ્યો છે.
અમરાવતીના વોર્ડ નંબર 14 મતવિસ્તારમાંથી વિવેક કલોટીને કોંગ્રેસના ઉમેદવાર સંજય શિરભાતેએ લગભગ 800 મતોથી હરાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે અમરાવતીના વોર્ડ નંબર 14 મતવિસ્તારમાંથી કોંગ્રેસના ચારેય ઉમેદવારો જીત્યા છે. જેના કારણે આ વર્ષે અમરાવતીમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે, શાસક ગઠબંધન માટે આ મોટો આંચકો છે.
2018માં અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભાજપના વિવેક કલોટી બિનહરીફ ચૂંટાયા હતા. તે સમયે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આ પરિણામ મુખ્ય પ્રધાનના ભાઈ હોવાને કારણે આવ્યું છે. બીજી તરફ ધારાસભ્ય શ્રીકાંત ભારતીયના ભાઈ વિવેક ભારતીયનો પણ આ જ વોર્ડ નંબર 14માંથી પરાજય થયો છે. વિવેકનો રવિ રાણાના નજીકના યુવા સ્વાભિમાનના ઉમેદવાર સચિન ભેંડેએ પરાજય કર્યો હતો.
અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની 87 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે અને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યો છે, ત્યાર બાદ કોંગ્રેસ બીજા સ્થાને છે. મતગણતરી શરૂ થયા પછી, શરૂઆતમાં કોંગ્રેસ આગળ હતી. પરંતુ મતગણતરી પૂર્ણ થયા પછી, અમરાવતીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે. આ વખતે, કોંગ્રેસે અમરાવતીમાં સારી લડાઈ આપી હોવાનું જોવા મળ્યું છે.
ભાજપે 87માંથી 20 બેઠકો જીતી છે અને કોંગ્રેસે 15 બેઠકો જીતી છે. દરમિયાન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરકાર બનાવવા માટે 44 બેઠકોની જરૂર હોવાથી, હવે આ આંકડો કોણ પાર કરશે તેના પર બધાની નજર છે.
| પક્ષનું નામ | બેઠકોની સંખ્યા |
| ભાજપ (BJP) | 20 |
| કોંગ્રેસ (INC) | 15 |
| રાષ્ટ્રવાદી કોંગ્રેસ (AP) | 11 |
| એમ.આઈ.એમ. (MIM) | 06 |
| યુવા સ્વાભિમાન પાર્ટી | 04 |
| બહુજન સમાજ પાર્ટી (BSP) | 03 |
| શિવસેના (એકનાથ શિંદે) | 02 |
| શિવસેના (UBT) | 01 |
| પ્રહાર જનશક્તિ પક્ષ | 01 |
| અન્ય/અપક્ષ | 24 |
| કુલ બેઠકો | 87 |
આ પણ વાંચો…ભાજપના મહાવિજય બાદ દેવેન્દ્ર ફડણવીસે કોને ફોન કરીને આપ્યા અભિનંદન? જાણો કોણ છે એ ખાસ વ્યક્તિ…



