ખીચડી કૌભાંડ કેસમાં અમોલ કીર્તિકર અને સૂરજ ચવ્હાણને સમન્સ
શું ઉદ્ધવ જૂથના નેતાની મુશ્કેલીઓ વધશે?
મુંબઇઃ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ શિવસેના (UBT)ના નેતા અમોલ કીર્તિકર અને યુવા સેનાના કાર્યકર્તા સૂરજ ચવ્હાણને કોવિડ-19 રોગચાળા દરમિયાન ‘ખીચડી’ વિતરણમાં કથિત કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે, અવી એક અધિકારીએ જાણકારી આપી હતી. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે શિવસેના (UBT)ના બંને નેતાઓને 25 નવેમ્બરે EOW અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેના નજીકના સહયોગી ગણાતા સૂરજ ચવ્હાણની આ વર્ષે જુલાઈમાં EOW દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
સપ્ટેમ્બરમાં અમોલ કીર્તિકર તેમનું નિવેદન નોંધવા EOW અધિકારીઓ સમક્ષ હાજર થયા હતા. EOWના જણાવ્યું અનુસાર કીર્તિકરને કથિત રીતે રૂ. 52 લાખ મળ્યા હતા જ્યારે ચવ્હાણને તે કંપની પાસેથી રૂ. 37 લાખ મળ્યા હતા જેને રોગચાળા દરમિયાન પરપ્રાંતિય મજૂરોને ખીચડીનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એવી શંકા છે કે અમુક ખાસ પેઢીને સિવિલ કોન્ટ્રાક્ટ મેળવવામાં મદદ કરવા માટે કીર્તિકર અને ચવ્હાણને પૈસા આપવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. કીર્તિકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર છે, જે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના જૂથનો ભાગ છે.
અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે EOW એ કોવિડ -19 રોગચાળા દરમિયાન હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં કથિત છેતરપિંડી કરવાના સંબંધમાં કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધી છે અનેતપાસમાં જાણવા મળ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓક્સિજન પ્લાન્ટ સંબંધિત કોન્ટ્રાક્ટમાં 6 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, ત્યારબાદ બુધવારે કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે કોન્ટ્રાક્ટર રોમિલ છેડા અને BMC અધિકારીઓ સામે છેતરપિંડી, બનાવટી અને ખોટી રીતે નુકસાન પહોંચાડવાના આરોપો દાખલ કરવામાં આવ્યા છે.