અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ અચાનક રદ્દ , મોદીની જાહેર સભાની પણ તારીખ બદલાઈ
નાગપુર: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અમિત શાહ મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભની મુલાકાત માટે આવવાના હતા. છ એપ્રિલે પૂર્વ વિદર્ભમાં અમિત શાહની પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે તે અંતિમ સમયે રદ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે સામે આવી છે.
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 19 એપ્રિલે પૂર્વ વિદર્ભની પાંચ બેઠક પર મતદાન થવાનું છે. અમિત શાહ પૂર્વ વિદર્ભમાં ગોંદિયા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સુનિલ મેંઢેના ચૂંટણી પ્રચાર માટે આવવાના હતા. એક અહેવાલ મુજબ દિલ્હીથી નાગપુર આવીને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ગોંદિયા સુધી અમિત શાહ પ્રવાસ કરવાના હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં વિશાળ જનમેદની સંબોધતા PM મોદીએ કહ્યું, ‘આ વખતે 4 જૂન 400 પાર…’
અમિત શાહની સભા માટેની દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પણ છેલ્લા સમયે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. અમિત શાહની સભાને શા માટે રદ કરવામાં આવી તે બાબતે ભાજપ તરફથી કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ અમિત શાહના સ્વાસ્થ્યને કારણે તેમની મુલાકાત રદ થયા હોવાની ચર્ચા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો 400 સીટ જીતવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આઠ એપ્રિલે પૂર્વ વિદર્ભના ચંદ્રપુરમાં એક જાહેર સભાને સંબોધન કરવા મહારાષ્ટ્ર આવવાના છે અને તે બાદ નાગપુર જિલ્લાના રમટેકમાં સભા કરવાના છે. મોદીની આ સભા અગાઉ 10 એપ્રિલે યોજાવાની હતી પણ હવે 14 એપ્રિલના કરવામાં આવી છે, એવી માહિતી મળી છે.