અમિત શાહ આજે મુંબઇ આવશે, મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની મોટી જીત બાદ હવે મુખ્યપ્રધાન પદ કોને સોંપવું તેનો જંગ શરૂ થઈ ગયો છે. ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો જીતનાર ભાજપ મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર નથી, તો છેલ્લા અઢી વર્ષથી મુખ્યપ્રધાન પદ સંભાળી રહેલા એકનાથ શિંદે પણ તેમનો દાવો ઠોકી રહ્યા છે જેના કારણે સરકારની રચનાને લઈને સસ્પેન્સ વધી ગયું છે. હવે એવા અહેવાલ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મુંબઈમાં આવશે અને તેઓ ખુદ મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરશે. તેઓ કેબિનેટ ફાળવણીના મુદ્દે પણ ફોર્મ્યુલા આપશે.
મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીમાં ભાજપે 148 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમણે 132 બેઠકો જીતી છે, શિંદેસેનાએ 80માંથી 57 બેઠકો જીતી છે અને હવે તેઓ મુખ્યપ્રધાન પદ માટે ઘણા ઉત્સુક છે, પરંતુ અજિત પવારની એનસીપી શિંદેને મુખ્યપ્રધાન બનાવવાનો વિરોધ કરી રહી છે અને દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપી રહી છે. આ માટે તેમણે ભાજપના હાઈ કમાન્ડને સંદેશ પણ મોકલ્યો છે. આ સ્થિતિમાં અમિત શાહ આજે મુંબઈ આવશે અને મુખ્યપ્રધાન પદને લઈને જાહેરાત કરશે એમ માનવામાં આવે છે.
મહાયુતિની નવી સરકારમાં બે નાયબ મુખ્ય પ્રધાન હશે આથી મહારાષ્ટ્રમાં રાજસ્થાન ફોર્મુલા અપનાવવામાં આવશે તેવી ચર્ચા છે. ભાજપ કદાચ કોઈ નવા ચહેરાને પણ મુખ્યપ્રધાન પદની તક આપી શકે છે.
અમિત શાહ મધ્યપ્રદેશની ફોર્મ્યુલા પણ અપનાવી શકે છે. મધ્યપ્રદેશમાં ભાજપે મુખ્યપ્રધાન શિવરાજ સિંહને હટાવીને મોહન યાદવને મુખ્યપ્રધાન બનાવ્યા છે. યાદવ અગાઉ શિવરાજ સિંહની કેબિનેટમાં મંત્રી હતા. તેથી એમ માનવામાં આવે છે કે કોઈ કેબિનેટ મંત્રીને મુખ્યપ્રધાન તરીકે બઢતી આપી શકાય છે.
આ પણ વાંચો… મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો શપથગ્રહણ સમારોહ 29 તારીખે થવાની શક્યતા…
મુખ્યપ્રધાન પદ માટે બિહારની ફોર્મ્યુલા પણ અપનાવી શકાય છે 2020 માં બિહારમાં એનડીએ બહુમતી મળી હતી, પરંતુ બિહારની ચૂંટણી નીતીશકુમારના નેતૃત્વમાં લડવામાં આવી હતી, તેથી તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં બિહાર પેટર્નના આધારે શિંદે ફરી એક વાર મુખ્યપ્રધાન બની શકે છે.