ઓપરેશન સિંદૂર એ ‘સ્વરાજ્ય’ના રક્ષણ માટેની પ્રતિબદ્ધતાનું ‘ઉત્તમ ઉદાહરણ’ હતું: અમિત શાહ…

પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે, ભારતના સશસ્ત્ર દળો અને નેતૃત્વ ‘સ્વરાજ્ય’ અથવા દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે અને ઓપરેશન સિંદૂર દરમિયાન તે ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું હતું.
પુણેની નેશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ) ખાતે મરાઠા રાજનેતા અને જનરલ પેશ્વા બાજીરાવ પ્રથમની અશ્ર્વારૂઢ પ્રતિમાના અનાવરણ પછી બોલતા ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે પણ તેઓ નકારાત્મક વિચારોથી પીડાય છે, ત્યારે તેઓ છત્રપતિ શિવાજી મહારાજ અને બાજીરાવનો વિચાર કરે છે.
બાજીરાવના સ્મારક માટે એનડીએ સૌથી યોગ્ય સ્થળ હતું કારણ કે તે એક એવી સંસ્થા છે જ્યાં લશ્કરી નેતૃત્ત્વની તાલીમ આપવામાં આવે છે, એમ શાહે જણાવ્યું હતું. ‘જ્યારે પણ મારા મનમાં નકારાત્મક વિચારો આવે છે, ત્યારે હું સામાન્ય રીતે ‘બાળ’ શિવાજી અને પેશ્વા બાજીરાવ વિશે વિચારું છું, વિચારું છું કે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ‘સ્વરાજ્ય’ (સ્વ-શાસન અથવા સાર્વભૌમ રાજ્ય) સ્થાપિત કરવા માટે સક્ષમ હતા,’ એમ તેમણે કહ્યું હતું.

સ્વરાજ્યની રક્ષા કરવાની જવાબદારી હવે 140 કરોડ ભારતીયોની છે, એમ શાહે ઉમેર્યું હતું. ‘જ્યારે સ્વરાજ્ય સ્થાપિત કરવા માટે લડાઈ કરવાનો સમય આવ્યો, ત્યારે આપણે તે કર્યું છે. જ્યારે સ્વરાજ્યની રક્ષા માટે લડાઈની જરૂર પડશે, ત્યારે આપણા દળો અને નેતૃત્વ ચોક્કસપણે તેનું પ્રદર્શન કરશે અને ઓપરેશન સિંદૂર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું,’ એમ તેમણે કહ્યું હતું.

બાજીરાવ પ્રથમ (1700 થી 1740)ને શ્રદ્ધાંજલિ આપતા શાહે કહ્યું કે જો શિવાજી મહારાજ દ્વારા શરૂ કરાયેલ અને પેશ્વાઓ દ્વારા 100 વર્ષ સુધી આગળ ધપાવવામાં આવેલી સ્વતંત્રતાની લડાઈ ન થઈ હોત, તો ‘ભારતનું મૂળભૂત માળખું લુપ્ત થઈ ગયું હોત.’ 40 વર્ષના તેમના જીવનમાં, પેશ્વા બાજીરાવે અમર ઇતિહાસ લખ્યો જે કોઈ અન્ય વ્યક્તિ લખી શક્યું નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.

19 વર્ષની ઉંમરે મરાઠા રાજ્યના ‘પેશ્વા’ અથવા વડા પ્રધાન બનેલા બાજીરાવને મધ્ય અને ઉત્તર ભારતમાં મરાઠા શાસનના વિસ્તરણનું શ્રેય આપવામાં આવે છે.આ ઘટના પછી, શાહે એનડીએના કેડેટ્સ સાથે પણ વાતચીત કરી હતી.