શાહના નિવેદન બાદ ફડણવીસે સ્પષ્ટતા કરી કે મિત્રો કાખઘોડી નથી…

મુંબઈ: ભાજપના એક કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી કાખઘોડી પર નહીં પરંતુ પોતાની તાકાત પર ચાલે છે. ત્યાર બાદ એવો વિવાદ થયો હતો કે અમિત શાહે સત્તામાં ભાગીદાર પોતાના મિત્ર પક્ષોને કાખઘોડી કહ્યા. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે આ વિધાન પર સ્પષ્ટતા આપવી પડી હતી. તેમણે કહ્યું કે મિત્રો કાખઘોડી નથી.
“જે લોકો આ ટિપ્પણી પર સવાલ ઉઠાવે છે તેઓ ‘કાખઘોડી’નો અર્થ સમજી શકતા નથી.મિત્રો કાખઘોડી નથી,” એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી સાથેની ગઠબંધન સરકારનું નેતૃત્વ કરતા ફડણવીસે કહ્યું.
આ દરમિયાન, મુખ્યપ્રધાને સતારા જિલ્લાના ફલટણમાં મહિલા ડોક્ટરની આત્મહત્યાનું “રાજકારણ” કરવા બદલ વિપક્ષની ટીકા કરી. “જે લોકો સંવેદનશીલ મુદ્દાનું રાજકારણ કરે છે તેઓ કમનસીબ લોકો છે. તેઓ ચર્ચામાં રહેવા માંગે છે. મેં પહેલેથી જ કહ્યું છે કે, આ કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં,” તેમણે કહ્યું.
તેમણે મતદાર યાદીઓ પર શંકા વ્યક્ત કરવા બદલ પણ વિપક્ષની ટીકા કરતા કહ્યું કે, અમે પહેલેથી જ કહી રહ્યા છીએ કે (આગામી ચૂંટણીઓમાં) તોળાઈ રહેલી હાર પહેલા આ કવર ફાયરિંગ છે. અમે પણ મતદાર યાદીઓમાં ડુપ્લિકેટ નામો સામે અવાજ ઉઠાવ્યો છે. વિપક્ષ ડબલ વોટિંગનો પુરાવો આપવામાં નિષ્ફળ ગયો છે. વિપક્ષે અગાઉ ક્યારેય મતદાર યાદીઓ સામે વાંધો ઉઠાવ્યો નહોતો.
પુણેમાં જૈન ટ્રસ્ટની માલિકીની જમીનના મુખ્ય ટુકડાના વેચાણ અંગેના વિવાદ અંગે, ફડણવીસે કહ્યું કે આ મુદ્દો ખાનગી બિલ્ડર અને જૈન સમુદાય વચ્ચેનો છે, અને સરકારે સમુદાયની ઇચ્છા મુજબ નિર્ણય લીધો છે. “સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પુણેના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોલનું નામ બિનજરૂરી રીતે આ કેસમાં ઢસડવામાં આવ્યું છે,” તેમણે કહ્યું.



