અમિત શાહે ફડણવીસ, શિંદે અને પવાર સાથે પોણી કલાક શું ચર્ચા કરી?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદને લીધે ખેડૂતોને પારાવાર નુકસાન ગયું છે અને ખેડૂતો સહિત ત્રણેય પક્ષના વિધાનસભ્યો પણ સરકારથી નારાજ છે. સરકારે હજુ લીલો દુષ્કાળ જાહેર કર્યો નથી અને ખેડૂતોના ખેતર ધોવાઈ જતા વળતર માટે સતત માગણી થઈ રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શિરડીમાં એક મહત્વની બેઠક પાર પાડ્યાનું જાણવા મળ્યું છે. જોકે આ ચારેય નેતાઓ વચ્ચે રાજકીય મામલે પણ વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈની ચૂંટણી નજીક આવે છે ત્યારે આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર હાજર હતા. આ ચારેય નેતા વચ્ચે હોટલના રૂમમાં 45 મિનિટ ચર્ચા ચાલી હતી. આ બેઠકમાં મુખ્યત્વે ખેડૂતોને કેટલું રાહત પેકેજ આપવું, પાકની સ્થિતિનો સર્વે અને તમામ પ્રકારની સહાયતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શાહે જેમ બને તેમ જલદી ખેડૂતોને સહાય મળે તે માટે સૂચનો કર્યા છે. સરકારની મદદ સીધી ખેડૂતોના ખાતામાં જાય અને જે તે પાકને કેટલું નુકસાન થયુ છે તેનો સર્વે કરવામાં આવે તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર રાજ્યને કઈ રીતે મદદ કરશે અને કેટલું પેકેજ આપશે તેની ચર્ચા થઈ હોવાનું પણ જાણવા મળે છે.
તાજેતરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને પડ્યો છે. ખાસ કરીને મરાઠાવાડામાં ખેતરો નદીમાં ફેરવાઈ ગયા હતા. જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે ખેડૂતોની કથળેલી હાલત થઈ ગઈ હતી. વિરોધપક્ષોએ સરકારને લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે મદદ કરવાની માગણી કરી છે.
આપણ વાંચો: શિંદે સાવધ, તલવાર મ્યાન: ભાજપ પહેલી વાર યુતિમાં શિવસેનાનું સ્થાન લેશે