આમચી મુંબઈમહારાષ્ટ્ર

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આપ્યા નવા આદેશો

મુંબઈઃ કોવિડના નવા પ્રકારના વેરિયન્ટના સંક્રમણની ચિંતા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય પ્રશાસનને મહત્ત્વના આદેશ આપ્યા હતા. રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલી મોક ડ્રીલ્સમાં રાજ્યની અનેક હોસ્પિટલમાં ઓક્સિજન શુદ્ધતામાં ઘટાડો, બિન-કાર્યકારી વાલ્વ અને ઓક્સિજન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અધૂરી સામગ્રી જેવી ગંભીર સમસ્યાઓ જાણમાં આવી છે. આ તારણોને અનુલક્ષીને રાજ્યએ હવે જિલ્લાઓને દર મહિને મોક ડ્રિલ હાથ ધરવા કહ્યું છે.

વધુમાં, ઓક્સિજન સાધનોની રાજ્યવ્યાપી જાળવણી માટે એજન્સીને જોડવાની યોજનાઓ ચાલી રહી છે. કેન્દ્ર દ્વારા ફરજિયાત મોક ડ્રીલ, કોવિડ કેસોમાં સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે રાજ્યોની સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે હાથ ધરવામાં આવે છે.

આ કવાયતમાં હોસ્પિટલો વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરતી હોય છે, જેમ કે પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન (પીએસએ) પ્લાન્ટની કાર્યક્ષમતા જે ઓક્સિજન ઉત્પન્ન કરવા, પ્રવાહી ઓક્સિજન ટાંકીઓ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને પથારી સુધી ઓક્સિજન પાઇપલાઇનનો સમાવેશ કરે છે. રાજ્યએ કોવિડ દરમિયાન ૫૨૯ પીએસએ પ્લાન્ટ લગાવ્યા હતા. ઉપરાંત, આ કવાયત દરમિયાન વેન્ટિલેટરની સ્થિતિ, વીજળીનો પુરવઠો અને એકંદરે ઉત્પાદિત ઓક્સિજનની ગુણવત્તા અને દબાણની તપાસ કરવામાં આવે છે.

કેન્દ્રના નિર્દેશોને અનુસરીને સમગ્ર ભારતમાં ૧૫થી ૧૭ ડિસેમ્બર દરમિયાન તમામ માધ્યમિક અને તૃતીય સ્તરની આરોગ્ય સુવિધાઓમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૬ ડિસેમ્બરે, રાજ્યની ૫૦૯ હોસ્પિટલમાંથી ૬૦ ટકાની ભાગીદારી સાથે બીજી કવાયત હાથ ધરવામાં આવી. અત્યાર સુધીમાં, પાંચ પીએસએ મોકડ્રીલ હાથ ધરવામાં આવી છે.

રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અસંખ્ય કેન્દ્રોમાં પીએસએ પ્લાન્ટ્સ દ્વારા ઉત્પાદિત ઓક્સિજનની ગુણવત્તા જરૂરી શુદ્ધતા કરતાં ઓછી છે. પીએસએ પ્લાન્ટ સામાન્ય રીતે ૯૦ ટકાથી ૯૩ ટકા શુદ્ધતા પર ઓક્સિજન ઉત્પન્ન કરે છે. છેલ્લા દોઢ વર્ષમાં નોંધપાત્ર કોવિડ ઉછાળાની ગેરહાજરીને કારણે, ઘણા યંત્રો નિયમિત ઉપયોગમાં નથી,તેથી સમયાંતરે મશીનો કાર્યરત થાય તેની ખાતરી કરવા માટે જિલ્લાઓને વધુ વખત કવાયત કરવા કહેવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે કેટલાક જિલ્લાઓએ જણાવ્યું હતું કે કોવિડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું નાણાકીય રીતે બોજારૂપ સાબિત થઈ રહ્યું છે અને એક દિવસની મોક ડ્રીલ પણ નોંધપાત્ર વીજળી બિલમાં પરિણમે છે. તેઓએ હોસ્પિટલોને આ ખર્ચાઓને પહોંચી વળવા જિલ્લા આયોજન વિકાસ સમિતિ પાસેથી ભંડોળ મેળવવા કહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button