આમચી મુંબઈમહારાષ્ટ્ર

Safari Vs Fortuner: હીટ એન્ડ રનના ખતરનાક વીડિયોથી ખળભળાટ, દીકરાએ પરિવારના સભ્યોની હત્યાનો કર્યો પ્રયાસ

મુંબઈ: ઘરેલું વિવાદને લઇ 38 વર્ષના પુત્રએ ફિલ્મી સ્ટાઇલે કારથી પીછો કરીને પિતાની કારને જોરદાર ટક્કર મારી હતી. બદલાપુર-અંબરનાથ માર્ગ પર ચિખલોલી ગામની હદમાં હોટેલની સામે મંગળવારે બનેલી આ ઘટનામાં પાંચ વ્યક્તિ ઘાયલ થઇ હતી, જેને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ ઘટના બાદ 62 વર્ષના બિંદેશ્વર શર્માએ પુત્ર સતીષ શર્મા વિરુદ્ધ અંબરનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોલાબામાં રહેતા બિંદેશ્વર શર્મા અને તેનો પુત્ર સતીષ મંગળવારે સાંજના કલ્યાણ-બદલાપુર હાઇ-વે પર અલગ અલગ કારમાં જઇ રહ્યા હતા. બિંદેશ્વર શર્મા અને તેમનો પરિવાર ફોર્ચ્યુનર કારમાં, જ્યારે સતીષ ટાટા સફારી કારમાં હતો.

આ પણ વાંચો: મુંબઈમાં વધુ એક હીટ એન્ડ રન કેસ, SUVએ વર્સોવા બીચ પાસે સુતાએ બે લોકોને કચડ્યા

વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડે છે કે અંબરનાથની દિશામાં ટાટા સફારી કાર જઇ રહી હતી. એ સમયે ઘટનાસ્થળે કોઇ બાબતને લઈ વિવાદ થતાં બંને કાર થોભી ગઇ અને નાગરિકો દોડી આવ્યા હતા. જોકે એ અગાઉ સતીષે તેના પિતાની કારને પાછળથી ટક્કર મારી હતી.

સતીષ બાદમાં કાર લઇને આગળ જઇ રહ્યો હતો ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે દરવાજો ખોલી તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સતીષે કાર હંકારી મૂકતાં સગીરને ગંભીર ઇજા પહોંચી હતી. તેણે અન્ય એક શખસને અડફેટે લીધો હતો અને થોડે દૂર સુધી ઘસડી ગયો હતો. આટલેથી ન થોભતાં સતીષ યુ-ટર્ન લઇને પાછો આવ્યો હતો અને ફરી તેણે પિતાની કારને આગળથી જોરદાર ટક્કર મારી હતી, જેમાં કારની પાછળ ટૂ-વ્હીલર પર હાજર બે જણ ઘવાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સતીષ અને તેની પત્ની વચ્ચે કલહ હોવાની શંકા છે. ઘટનાને દિવસે ફરિયાદી બિંદેશ્વર તેની પત્ની અને બીજા પુત્ર સાથે મુંબઈથી બદલાપુર જઇ રહ્યા હતા. આ ઘટનામાં ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન દીકરાની સામે ગુનો નોંધ્યા પછી તેની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button