અંબરનાથમાં નેતાના બોડીગાર્ડની હત્યા: ફરાર આરોપી 14 વર્ષ બાદ સુરતથી ઝડપાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંબરનાથમાં નેતાના બોડીગાર્ડની હત્યા: ફરાર આરોપી 14 વર્ષ બાદ સુરતથી ઝડપાયો

થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં નેતાના બોડીગાર્ડની હત્યાના કેસમાં ફરાર આરોપીને 14 વર્ષ બાદ સુરતથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

આ કેસ અંબરનાથમાં 24 નવેમ્બર, 2011ના રોજ શિવસેનાની ઓફિસમાં થયેલા ગોળીબારની ઘટના સાથે સંબંધિત છે. આ હુમલામાં સ્થાનિક નેતાના બોડીગાર્ડ શ્યામસુંદર યાદવનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.

આ ઘટના બાદ શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં હત્યા, ગુનાહિત કાવતરું તથા પુરાવા નષ્ટ કરવા સહિત અન્ય આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન આ કેસમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો, તો આરોપી રામશિરોમણી શુકલા (51) ફરાર થવામાં સફળ રહ્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

આરોપી શુકલા ધરપકડથી બચવા માટે સતત પોતાનાં ઠેકાણાં બદલતો રહેતો હતો. જોકે પોલીસે ટેક્નિકલ એનાલિસિસ, મોબાઇલ સર્વેલન્સ અને મળેલી માહિતીને આધારે તાજેતરમાં શુકલાને સુરતમાં ટ્રેસ કર્યો હતો.

પોલીસ ટીમ આરોપીને પકડવા માટે સુરત રવાના થઇ હતી અને ત્યાં છટકું ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button