આમચી મુંબઈ

ફડણવીસની સભાની આગલી રાતે ભાજપના ચૂંટણી ઉમેદવારની ઑફિસ પર ગોળીબાર…

બાઈક પર આવેલા બે હુમલાખોર ચાર રાઉન્ડ ફાયર કરી ફરાર: સિક્યોરિટી ગાર્ડ જખમી

થાણે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ચૂંટણી સભાની આગલી રાતે જ ભાજપના ઉમેદવારની ઑફિસ પર અંધાધૂંધ ગોળીબાર થતાં અંબરનાથમાં ખળભળાટ મચી ગયો હતો. બાઈક પર આવેલા બે હુમલાખોર ચાર રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ જતાં ઑફિસનો સિક્યોરિટી ગાર્ડ જખમી થયો હતો. ઘટના બાદ રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોએ પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા અને ધરણાં પર બેઠા હતા.

અંબરનાથ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે 12.17 વાગ્યે અંબરનાથ પશ્ર્ચિમમાં નવીન ભેંડીપાડા પરિસરમાં બની હતી. અંબરનાથ નગરપાલિકાના ભાજપના ઉમેદવાર પવન વાલેકરના કાર્યાલય પર ગોળીબાર કરાયો હતો. આ પ્રકરણે બે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ પણ કરી રહી છે.

બુધવારે સાંજે સાત વાગ્યે અંબરનાથ નગરપાલિકાની હદમાં ગાંવદેવી મેદાનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રચાર સભા આયોજિત હતી. આ સભાની આગલી રાતે અને ચૂંટણીને ત્રણ દિવસ બાકી છે ત્યારે ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ડર ફેલાયો હતો, જ્યારે ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા.

નગરપાલિકાની ચૂંટણી 20 ડિસેમ્બરે છે અને પવન વાલેકર ભાજપના ઉમેદવાર છે. ઘટના બની ત્યારે વાલેકર તેમના જનસંપર્ક કાર્યાલયમાં જ હતા. કાર્યાલય બહાર લાગેલા સીસીટીવી કૅમેરામાં ગોળીબારની ઘટના કેદ થઈ હતી. બાદમાં તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

ફૂટેજમાં બે શખસ બાઈક પર આવતા નજરે પડે છે. બન્ને શખસે હેલ્મેટ પહેરી હોવાથી તાત્કાલિક તેમની ઓળખ થઈ શકી નહોતી. ઑફિસ બહાર બાઈક ઊભી રહ્યા પછી પાછળ બેસેલો શખસ બાઈક પરથી ઊતરીને ગોળીબાર કરે છે. ચાર રાઉન્ડ ફાયર કર્યા પછી બન્ને બાઈક પર ફરાર થઈ જતાં ફૂટેજમાં દેખાય છે.

આ હુમલામાં સિક્યોરિટી ગાર્ડની આંગળીમાં ઇજા થઈ હતી. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોસીસ ફૂટેજને આધારે બન્ને હુમલાખોરને ઓળખવાના પ્રયાસ કરી રહી છે.દરમિયાન ગોળીબારની વાત ફેલાતાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર ભેગા થયા હતા અને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માગણી કરી હતી. બાદમાં કાર્યકરો પોલીસ સ્ટેશન બહાર જ ધરણાં પર બેઠા હતા. પોલીસે ઘટનાસ્થળે કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દીધી હતી. (પીટીઆઈ)

આ પણ વાંચો…મનરેગાનું નામ બદલવા પર સવાલ ઉઠાવ્યા: ફડણવીસે કોંગ્રેસની ટીકા કરી

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button