બીડના સરપંચની હત્યા, ખંડણી કેસમાં સીઆઈડી તથ્યો જાહેર કરે: શિવસેના યુબીટી…
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શુક્રવારે એવી માગણી કરી હતી કે, મહારાષ્ટ્ર સીઆઈડીએ સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસમાં બહાર આવતી વિગતો જાહેર કરવી જોઈએ.
આ પણ વાંચો : ધારાવી-માહિમ જંકશન પર મોટો અકસ્માત, ટ્રેલરે કાબૂ ગુમાવ્યો અને વાહનોને ટક્કર મારી
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા દાનવેએ પુનરોચ્ચાર કર્યો હતો કે, હત્યા કેસ અને સંબંધિત ખંડણી કેસ, જેમાં એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સહયોગી વાલ્મિક કરાડની ધરપકડ કરવામાં આવી છે, બંને કેસની સુનાવણી બીડ જિલ્લાની બહાર થવી જોઈએ.
બીડ જિલ્લાના કેજ તાલુકાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમણે પવનચક્કી કંપની પાસેથી પૈસા માંગનારા કેટલાક વ્યક્તિઓ દ્વારા ખંડણીનો વિરોધ કર્યો હતો.
શિવસેના (યુબીટી)ના નેતાએ કહ્યું હતું કે, ‘ત્રણ આરોપીઓ હજુ પણ ગુમ છે, તેમનું શું? મારી પાસે માહિતી છે કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ફરાર માણસોનો સંપર્ક કર્યો હતો.’
તેમણે વધુમાં કહ્યું કે સીઆઈડી એ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો જાહેર કરવી જોઈએ.
‘કરાડનો દાવો છે કે તે આ બધા સાથે સંકળાયેલો નથી. જોકે, ધરપકડ કરાયેલા આરોપીઓએ દાવો કર્યો છે કે ખંડણી અંગે (કંપની અને કરાડ વચ્ચે) વાતચીત થઈ હતી. ત્રણ ફરાર આરોપીઓની ધરપકડ થશે ત્યારે જ પૂરી હકીકતો બહાર આવશે,’ એમ દાનવેએ કહ્યું હતું.
આ પણ વાંચો : બે દિવસમાં 433 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો પાલિકાએ
તેમણે માગણી કરી હતી કે હત્યા અને તેની સાથે જોડાયેલા ખંડણી કેસની ટ્રાયલ બીડની બહાર હાથ ધરવામાં આવે.
‘કેસની તપાસ કરી રહેલા મોટાભાગના અધિકારીઓ બીડના છે અને તેમના રાજકીય જોડાણો છે. કરાડ તે વિસ્તારમાં હતો જ્યાં શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. તેથી, હું માગણી કરું છું કે આ ખટલા બીડની બહાર કરવામાં આવે.’
(પીટીઆઈ)