આમચી મુંબઈ

કાલબાદેવીના સુવર્ણકારો માટે વૈકલ્પિક જગ્યાની માગણી…

રહેવાસી, સુવર્ણકાર એસોસિયેશનની પાલિકા કમિશનર સાથે બેઠક

મુંબઈ: દક્ષિણ મુંબઈના ભુલેશ્ર્વર અને કાલબાદેવીના રહેવાસીઓ લાંબા સમયથી તેમના પરિસરમાં સોનાના દાગીના બનાવતા કારખાના અને ઘુમાડો ઓકનારી ચીમનીને હટાવવાની માગણી પાલિકા સમક્ષ કરતા આવ્યા છે પણ કારખાનાઓને સંપૂર્ણપણે ત્યાંથી દૂર કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. આ દરમ્યાન ગુરુવારે ભુલેશ્ર્વર અને કાલબાદેવી પરિસરના રહેવાસીઓ અને સુર્વણકારોની સંસ્થાએ પાલિકા કમિશનરની મુલાકાત લઈને તેમનેે પર્યાયી જગ્યા ઉપલબ્ધ કરી આપવાની માગણી કરી હતી.

પાલિકા મુખ્યાલયમાં ગુરુવારે કમિશનર ભૂષણ ગગરાણી સાથે ભુલેશ્ર્વર અને કાલબાદેવી પરિસરના રહેવાસીઓના અસોસિયેશન સાથે જ દાગીના બનાવનારા સુર્વણકારોની સંસ્થાએ બેઠક કરી હતી. એ દરમ્યાન સુવર્ણકારોને તેમના વ્યવસાય માટે રહેણાંક વિસ્તારને બદલે અન્ય વિસ્તારમાં પર્યાયી જગ્યા આપવાની માગણી કરી હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના આદેશ બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાની પાલિકાના ‘સી’વોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાંડુપમાંથી 50 કરોડનું મેફેડ્રોન જપ્ત: મહાડની લૅબોરેટેરીમાં બનતું હતું ડ્રગ્સ

આ બેઠકમાં ભુલેશ્ર્વર રેસિડેન્ટ અસોસિયેશનના પ્રતિનિધિઓએ રહેણાંક વિસ્તારમાં દાગીના બનાવતા કારખાનાને કારણે સ્થાનિક નાગરિકોના આરોગ્યને થતા નુકસાન અને તેમના સુરક્ષાને મુદ્દે રજૂઆત કરી હતી. રહેણાંક વિસ્તારમાં દાગીના બનાવવાનો ઉદ્યોગ એ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થળાંતર કરવાની માગણી આ દરમ્યાન રહેવાસીઓએ કરી હતી. ત્યારે સુવર્ણકારોના અસોસિયેશનના પ્રતિનિધિ દ્વારા તેમના વ્યવસાય કરતા સમયે ધ્યાનમાં રાખવામાં આવતી સુરક્ષા અને પર્યાવરણની દૃષ્ટ્રિએ હાથ ધરવામાં આવેલી ઉપાયયોજના બાબતે પાલિકાને માહિતી આપવામાં આવી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો:ચેન્નઈમાં લૂંટારાનું એન્કાઉન્ટર: આંબિવલીની ઈરાની બસ્તીમાં અલર્ટ

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ રહેવાસી તથા સુર્વણકારો એમ બંને બાજુના લોકો સાથે ચર્ચા કર્યા બાદ અને વિગતો મેળવ્યા બાદ તેનો અહેવાલ મહારાષ્ટ્ર સરકારને રજૂ કરવામાં આવશે ત્યારબાદ રાજ્ય સરકાર આ બાબતે યોગ્ય નિર્દેશ આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button