મુંબઈ એરપોર્ટ પર લાખો રુપિયાના ફાર્મા ડ્રગ્સ સાથે નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત
મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈ એરપોર્ટના ઍર કાર્ગો ટર્મિનલ ખાતે લાખો રૂપિયાનું ફાર્મા ડ્રગ્સ અને નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એનસીબીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 3 જાન્યુઆરીએ મધરાતે ઍર કાર્ગો ટર્મિનલ ખાતે તલાશી લઇને ગેરકાયદે વાળવામાં આવેલું 29.6 કિલો ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ ભરેલી 74,000 કૅપ્સ્યૂલ્સ અને સિગારેટ્સ પકડી પાડી હતી, જે દાણચોરીથી લંડન, યુકે મોકલવાનો આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો ઇરાદો હતો.
ભારતમાંથી અનધિકૃત રીતે ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ મેળવીને તે વિદેશ મોકલવામાં આવતું હોવાની માહિતી મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એવું સામે આવ્યું હતું કે પરિવહનના હેતુથી બલ્ક ઍર કાર્ગોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તપાસ દરમિયાન અધિકારીઓને એવી માહિતી મળી હતી કે વધુ એક કન્સાઈનમેન્ટ લંડન, યુકે મોકલવામાં આવવાનું છે.
આપણ વાંચો: ગેરકાયદેસર ડ્રગના વેપારથી કમાયેલા નાણાં આતંકવાદ, નક્સલવાદને પ્રોત્સાહન : છતીસગઢમાં અમિત શાહ
તપાસ દરમિયાન લોજિસ્ટિક્સ કંપનીના બે કન્ટેઇનરોને ઓળખી કઢાયાં હતાં. બંને ક્ધટેઇનરને ઍર કાર્ગો ટર્મિનલ ખાતે રોકવામાં આવ્યા હતા અને તેની તલાશી લેવાતાં ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ અને સિગારેટ્સ મળી આવી હતી, જેની કિંમત 75 લાખ રૂપિયા થાય છે.
ખાસ વાત એ છે કે ખાદ્યપદાર્થની બેગોમાં ડ્રગ્સ અને સિગારેટ્સ એ રીતે છુપાવવામાં આવી હતી કે કોઇને શંકા ન જાય. સિગારેટ્સ વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપવામાં આવી હતી. બે કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીની આ અંગે તપાસ ચાલી રહી છે.