એમએમઆરના વિકાસ માટે ફાળવાયા રુ. 80,000 કરોડ: એકનાથ શિંદે

મુંબઈ: મુંબઈના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને પાંચ વર્ષમાં બમણું કરવા માટે નીતિ આયોગે વિવિધ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને 2030 સુધીમાં મુંબઈના જીડીપીને 26 લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેનો હેતુ મુંબઈને શહેર અને તેની આસપાસના વિસ્તારને વૈશ્વિક આર્થિક કેન્દ્ર બનાવવાનો છે. નીતિ પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસનો અહેવાલ ગુરુવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને સોંપવામાં આવ્યો હતો.
નીતિ પંચ ચાર મોટા શહેરો મુંબઈ, સુરત, વારાણસી, વિશાખાપટ્ટનમમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામ કરી રહ્યું છે.
મુંબઈ સહિતના મેટ્રોપોલિટન વિસ્તારોમાં ઉપલબ્ધ તકોનો લાભ લઈને સરકારે કેટલાક સંયુક્ત સાહસોનું આયોજન કર્યું છે.
તેની સાથે પરવડી શકે તેવા મકાનોનું નિર્માણ, રહેણાક બાંધકામ પર ભાર, નવી મુંબઈમાં ડેટા સેન્ટર સ્થાપવાની પ્રાથમિકતા, તેમજ અલીબાગ મલ્ટિમોડલ કોરિડોરનું નિર્માણ ઝડપી કરવામાં આવી રહ્યું છે, એવી માહિતી એકનાથ શિંદેએ આપી હતી.
આ પણ વાંચો: નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી ઘટી, સમૃદ્ધિ વધી
રાજ્ય સરકારે તાજેતરમાં આશરે રૂ. 80,000 કરોડના રોકાણના પ્રોજેક્ટને મંજૂરી આપી છે, એમ મુખ્ય પ્રધાન શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 720 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનો પ્રવાસન અને વેપારની દૃષ્ટિએ પણ ઉપયોગ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ શહેરની સાથે પાલઘર, રાયગઢ, થાણે જિલ્લાનો સમાવેશ થાય છે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલમાં આ પ્રદેશનો જીડીપી રૂ. 12 લાખ કરોડ છે જે ઉત્તર પ્રદેશના 80 ટકા જેટલું છે. અત્યારે આ વિસ્તારમાં એક કરોડ લોકો રોજગાર રળી રહ્યા છે અને તેમાં બીજા 30 લાખનો વધારો કરવા માટેની યોજના ઘડવામાં આવી છે. આવી જ રીતે જે સાત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
સાત વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ખાનગી ક્ષેત્રમાં 10 થી 11 અબજ રૂપિયાનું રોકાણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ શહેરોને વિકાસનું એન્જિન બનાવવા પર ભાર મૂકવામાં આવશે, એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.