આમચી મુંબઈ

ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સામેના આરોપોમાં દમ છે: કોર્ટ

ગુજરાતી બુલિયન ડીલર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચના કેસમાં ધરપકડ કરાયેલા સંદીપ સિંહ યાદવને 14મી સુધી સીબીઆઈ કસ્ટડી

મુંબઈ: મુંબઈના જ્વેલર્સ પાસેથી 20 લાખ રૂપિયાની કથિત લાંચ લેવાના કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને (સીબીઆઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના આસિસ્ટન્ટ ડિરેક્ટરની ધરપકડ કરી હતી. વિશેષ અદાલતે શુક્રવારે ઈડીના અધિકારીને 14 ઑગસ્ટ સુધીની સીબીઆઈ કસ્ટડી ફટકારી હતી.

વિશેષ સીબીઆઈ જજ એસ. પી. નાઈકે ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંદીપ સિંહ યાદવને પાંચ દિવસની કસ્ટડીનો આદેશ આપ્યો હતો.
મુંબઈના બુલિયન ડીલર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ગુરુવારે સીબીઆઈએ યાદવની ધરપકડ કરી હતી. મની લોન્ડરિંગના કેસમાં પુત્રની ધરપકડ કરવાની ધમકી આપી અધિકારીએ લાંચ માગી હતી.
ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) અને કેસ ડાયરીનું અવલોકન કર્યા પછી કોર્ટે જણાવ્યું હતું કે આ તબક્કે આરોપો તથ્ય હોવાનું માનવાને વાજબી કારણો છે.

સીબીઆઈ અનુસાર મની લોન્ડરિંગના એક કેસ મામલે 4 ઑગસ્ટે ઈડીએ વી. એસ. ગોલ્ડના વિપુલ ઠક્કર સંબંધી સ્થળોએ સર્ચ હાથ ધરી હતી. બાદમાં યાદવે ઠક્કરના પુત્રની ધરપકડ કરવાની કથિત ધમકી આપી 25 લાખ રૂપિયાની માગણી કરી હતી. જોકે તડજોડ બાદ 20 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
આ પ્રકરણે ઠક્કરે સીબીઆઈનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે સીબીઆઈએ તપાસ કરતાં પ્રથમદર્શી ફરિયાદમાં તથ્ય હોવાનું જણાયું હતું.

સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં ફરિયાદની ચકાસણી કરવામાં આવી હતી. પ્રથમદર્શી ખુલાસો થયો હતો કે ઈડીના નવી દિલ્હી સ્થિત મુખ્યાલયના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંદીપ સિંહે અજાણ્યા લોકો સાથે મળીને ફરિયાદી પાસેથી લાંચનો લાભ લેવા ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. પુત્ર નિહાર ઠક્કરની ધરપકડ ન કરવા માટે યાદવે વિપુલ ઠક્કર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માગી હતી. સીબીઆઈના મુંબઈ યુનિટે દિલ્હીમાં છટકું ગોઠવી યાદવને લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.
તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાથી યાદવની કસ્ટડી જરૂરી હોવાનું તપાસ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું હતું. જોકે યાદવના વકીલે કહ્યું હતું કે તેને ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે. તેના ઘરમાંથી કોઈ રોકડ ન મળી હોવાનો દાવો પણ વકીલે કર્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button