એલર્ટઃ મુંબઈ એરપોર્ટ પર એક બોમ્બના કોલથી ખળભળાટ

મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક બોમ્બના કોલથી ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ પ્રશાસનને એક બોમ્બનો કોલ મળ્યા પછી પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-ટુ ખાતે એક અજાણી વ્યક્તિએ લીલા રંગની બેગમાં બોમ્બ મૂક્યો હોવાની માહિતી આપતા પોલીસ પ્રશાસનને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા નંબરથી કોલ આવ્યા પછી પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ મુદ્દે સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આ કોલ મળ્યા પછી એક ટીમને એરપોર્ટ ખાતે રવાના કરવામાં આવી હતી, જ્યારે આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી તથા તપાસમાં એવું કંઈ સંદીગ્ધ મળ્યું નહોતું.
પ્રાથમિક દૃષ્ટિએ આ ફેક કોલ હોવાનું જણાયું છે. આમ છતાં આ વ્યક્તિ કોણ હશે અને શા માટે તેને આ પ્રકારનો કોલ કર્યો હશે તેના અંગે તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.