એલર્ટઃ રોજ ત્રણથી ચાર મુંબઈગરા આ છેતરપિંડીના બને છે શિકાર

મુંબઈઃ છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફત ખરીદી કરવાનું પ્રમાણ વધ્યું છે, જ્યારે પૈસા ચૂકવણી માટે તેનું ચલણ પણ વધ્યું છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ચલણમાં વધારાની સાથે ડિજિટલ મનીની લૂંટ મુદ્દે અનેક ગુનામાં વધારો થયો છે. એકલા મુંબઈની વાત કરીએ તો દર મહિને 99થી વધુ ગુના ક્રેડિટ કાર્ડ સંબંધિત છેતરપિંડીના કિસ્સા બને છે.
આ મુદ્દે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મુંબઈમાં દર મહિને 99 ગુના ફક્ત ક્રેડિટ કાર્ડ સંબંધિત છેતરપિંડીના બને છે.
આ અહેવાલ મુજબ રોજ ત્રણથી ચાર મુંબઈગરા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની છેતરપિંડીનો ભોગ બને છે. સાઈબર ક્રાઈમની દુનિયામાં આવા પ્રકારના સાઈબર ક્રાઈમને કાર્ડ સ્કેમ કહેવામાં આવે છે. ગયા અનેક સમયથી મુંબઈમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડની છેતરપિંડીનો શિકાર બનનારની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે વધતાં સાઈબર ક્રાઇમને લઈને મુંબઈ પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેમાં જણાવ્યું હતું કે મોટા ભાગના આ પ્રકારના સાઈબર ક્રાઈમ ક્રેડિટ કાર્ડ સંબંધિત થાય છે. ગયા નવ મહિનામાં સાઈબર ક્રાઈમના કુલ 3309 કેસમાંથી કાર્ડ ફ્રોડ સંબંધિત ૮૮૭ ગુના નોંધવામાં આવ્યા હતા.
પોલીસને છેલ્લા નવ મહિનામાં માત્ર 76 ડેબિટ-ક્રેડિટ સાઈબર ફ્રોડના કેસ ઉકેલવામાં યશ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મુજબ દર મહિને માત્ર આઠ થી નવ કેસ જ ઉકેલવામાં આવ્યા છે છે અને 811 જેટલા કેસ હજી પેન્ડિંગ પડ્યા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
તમારી સાથે કાર્ડ ફોર્ડ કરવા માટે તમારી પાસેથી ફોર્મ ભરાવવાના બહાને તમારો કાર્ડ નંબર, સીવીવી, આધાર કાર્ડ અને યુપીઆઇ નંબર પડાવી લે છે ત્યાર બાદ આ માહિતીનો ઉપયોગ કરી તમને સાઇબર ક્રાઇમનો ભોગ બનાવે છે.
લાઇટ બિલ ભરવાનું બાકી છે અથવા કોઈ બીજા કારણસર તમારા મોબાઇલ પર લિન્ક મોકલી તમને એની ડેસ્ક નામનો એપ ડાઉનલોડ કરાવે છે અને આ એપ વડે તમારી સ્ક્રીન શેર કરી તમારી ગુપ્ત માહિતી જેમ કે પાસવર્ડ, ઓટીપી અને સીવીવી વગરે વિગતો મેળવી તમારા કાર્ડનો વાપર કરે છે, તેથી એલર્ટ રહેવાનું જરુરી રહે છે, એમ પોલીસે જણાવ્યું હતું.