મહારાષ્ટ્રમાં સીટ વહેંચણી પર અખિલેશ યાદવ નારાજ, મહાવિકાસ આઘાડીને આપી ચેતવણી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં INDI ગઠબંધન ભાગીદારો દ્વારા અખિલેશની પાર્ટી પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના-ઉદ્ધવ ઠાકરે અને NCP-શરદ પવાર મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો ભાગ છે. આ ત્રણેય પક્ષો INDI જોડાણમાં પણ ભાગીદાર છે, જેમાં સમાજવાદી પાર્ટી પણ એક ભાગ છે. તેમ છતાં, મહારાષ્ટ્ર ચૂંટણીમાં MVA પક્ષો સીટ વિતરણમાં સમાજવાદી પાર્ટીની અવગણના કરી રહ્યા છે. હવે આ કારણે અખિલેશ યાદવની ધીરજ તૂટવા લાગી છે. અખિલેશ યાદવ મહારાષ્ટ્રમાં ગઠબંધન પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અખિલેશ યાદવ રાજ્યમાં બેઠકોની વહેંચણીથી ખુશ નથી.
અખિલેશ યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે એસપીની પ્રાથમિકતા MVA સાથે ગઠબંધન કરવાની છે. તેમની પાર્ટીના મહારાષ્ટ્ર રાજ્ય અધ્યક્ષ સીટોની વહેચણી નક્કી કરશે, તેઓ તે બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર છે જ્યાં તેમનું સંગઠન સક્રિય છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે રાજનીતિમાં બલિદાન માટે કોઈ સ્થાન નથી. જો અમને ગઠબંધનમાં બેઠકો નહીં મળે તો સમાજવાદી પાર્ટી તે બેઠકો પર એકલા હાથે લડશે જ્યાં અમારું સંગઠન અને સમર્થન છે.
આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ જણાવ્યું હતું કે અમે પણ INDI ગઠબંધન અને MVAનો ભાગ છીએ. અમે ઇચ્છતા નથી કે વોટોનું વિભાજન થાય. અમે ઇચ્છીએ છીએ કે MVA જીતે. અમે એ પાંચ સીટ પર ઉમેદવારી કરવા માગીએ છીએ જ્યાં અમને વિશ્વાસ છે કે અમે ચૂંટણી જીતી શકીએ છીએ. જો અમને એ પાંચ સીટ પર ઉમેદવારી કરવા નહીં મળે તો અમે 25 બેઠકો પર અમારા ઉમેદવારો ઊભા કરીશું.