અજિત પવારની નાગરિકોને ‘વિકસિત મહારાષ્ટ્ર-2047’ સર્વેમાં ભાગ લેવા વિનંતી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે નાગરિકોને રાજ્યના લાંબા ગાળાના વિકાસ વિઝનને આકાર આપવાના હેતુથી ચાલી રહેલા ‘વિકસિત મહારાષ્ટ્ર 2047’ સર્વેમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.
વિધાનસભા અને પરિષદ બંનેમાં આપેલા એક નિવેદનમાં પવારે તમામ વિધાનસભ્યો, વિભાગીય કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પરિષદોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને મહત્તમ જનભાગીદારીને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.
સરકારના 100 દિવસના કાર્ય યોજનાના સફળ સમાપન પછી, રાજ્ય સરકારે છઠ્ઠી મેથી બીજી ઓક્ટોબર સુધી 150 દિવસનું અભિયાન શરૂ કર્યું છે, જેમાં વ્યાપક ‘વિકસિત મહારાષ્ટ્ર 2047’ વિઝન દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
આ વિઝનને ઘડવા માટે, સરકારે ‘મહારાષ્ટ્ર 2047’ હેઠળ લાંબા ગાળાના લક્ષ્યો, ‘મહારાષ્ટ્ર 75’ હેઠળ મધ્યમ ગાળાના લક્ષ્યો અને ટૂંકા ગાળાના ઉદ્દેશોની રૂપરેખા આપી છે. ચાર મુખ્ય સ્તંભો: પ્રગતિશીલ વૃદ્ધિ, ટકાઉપણું, સમાવેશકતા અને સુશાસન પર આધારિત ડ્રાફ્ટ દસ્તાવેજ તૈયાર કરવા માટે કુલ 16 ક્ષેત્રીય જૂથોની રચના કરવામાં આવી છે.
18 જૂનથી 17 જુલાઈ, 2025 દરમિયાન હાથ ધરવામાં આવેલ નાગરી સર્વેક્ષણ, લોકોના મંતવ્યો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને પ્રાથમિકતાઓને એકત્રિત કરીને વિઝન દસ્તાવેજને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.