મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો: ફડણવીસ-રાજ ઠાકરેની બેઠક, અજિત પવારે આપ્યું મોટું નિવેદન

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નિરંતર નવાજૂની થતી રહી છે, જેમાં પાલિકાની ચૂંટણી પૂર્વે ઠાકરેબંધુ એક થયા હતા. બંને ભાઈઓ એક થયા પછી સત્તાધારી પક્ષ પણ હરકતમાં આવી ગયો છે. જોકે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેની બેઠક થઈ હતી.
આ બેઠકને લઈ રાજકીય નેતાઓ વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક કરી રહ્યા છે ત્યારે આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરેની બેઠક અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ અજિત પવારે કહ્યું છે કે રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ વચ્ચે સંવાદ-સંકલન બનાવી રાખવાની પરંપરા રહી છે. એક દિવસ પહેલા મનસે અને શિવસેના (યુબીટી)ને બેસ્ટની ચૂંટણીમાં હારનો સામનો કરવાની ફરજ પડી હતી.
આપણ વાંચો: મનસે-સેના (યુબીટી) ગઠબંધનની ચર્ચા વચ્ચે રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત
વર્ધામાં પત્રકારો સાથે વાતચીત કરતા અજિત પવારે કહ્યું હતું કે ઘણા નેતાઓ મુખ્ય પ્રધાનને મળતા હોય છે, જેમાં અમુક લોકો સત્તામાં હોય કે નહીં. એકબીજાની સાથે સંવાદ જાળવી રાખવાની આ રાજ્યની પરંપરા છે.
આ મુલાકાતને રાજકીય રંગ આપવાની કોઈ જરુરિયાત નથી. આ અગાઉ રાજ ઠાકરેએ ફડણવીસ સાથે દક્ષિણ મુંબઈ સ્થિત વર્ષા બંગલો ખાતે મુલાકાત કરી હતી. આ બેઠક પછી રાજકીય અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.
અહીં એ જણાવવાનું કે આ મુલાકાત પણ એવા સમયે થઈ છે, જ્યારે બેસ્ટ કર્મચારી સહકારી પતપેઢી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાજ ઠાકરેની મનસેને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને પાર્ટી સાથે મળીને કોઈ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની સંયુક્ત પેનલ 21માંથી એક પણ સીટ મળી નહોતી. ફડણવીસે બંને પાર્ટી પર ઠાકરે બ્રાન્ડના નામે ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં રાજનીતિકરણ કરવાના આરોપ મૂક્યો હતો. રાજ્યમાં આગામી પાલિકાની ચૂંટણી માટે શિવસેના અને મનસે વચ્ચે સંભવિત ગઠબંધનની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે.