આઈપીએસ અંજના કૃષ્ણા સાથેના ઝઘડા અંગે અજિત પવારનો ખુલાસો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આઈપીએસ અંજના કૃષ્ણા સાથેના ઝઘડા અંગે અજિત પવારનો ખુલાસો

‘ઠપકો આપવાનો નહીં, પરિસ્થિતિ શાંત કરવાનો ઈરાદો હતો’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક મહિલા આઈપીએસ અધિકારીને ‘ઠપકો’ આપતા અને ગેરકાયદેસર માટીના ખોદકામ સામેની કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપતા વીડિયોના વાઈરલ થયાના બીજા દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ કાર્યવાહીમાં દખલ કરવા માગતા ન હતા, પરંતુ તણાવપૂર્ણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ ઘટના અંગે એનસીપીના વડા ટીકા હેઠળ આવ્યા છે. બીજી તરફ પોલીસે સોલાપુર જિલ્લામાં ગેરકાયદેસર ‘મુરુમ’ (નરમ) માટીના ખોદકામ સામે કાર્યવાહી કરતી વખતે આઈપીએસ અધિકારી અંજના કૃષ્ણા અને અન્ય અધિકારીઓને કથિત રીતે અવરોધિત કરવા બદલ અનેક વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો.

ગુરુવારે સામે આવેલા વાયરલ વીડિયોમાં, પવાર ફોન પર કૃષ્ણાને ધમકાવી રહ્યા હોવાનું સાંભળવા મળ્યું હતું.
‘હું સ્પષ્ટ કરું છું કે મારો ઈરાદો કાયદાના અમલમાં દખલ કરવાનો નહોતો, પરંતુ ત્યાંની સ્થિતિ શાંતીપુર્ણ રહે અને વધુ ન બગડે તે સુનિશ્ર્ચિત કરવાનો હતો, એમ પવારે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

‘હું પારદર્શક શાસન માટે પ્રતિબદ્ધ છું અને ખાતરી રાખું છું કે રેતી ખનન સહિતની દરેક ગેરકાયદે પ્રવૃત્તિ સામે કાયદા મુજબ કડક રીતે કાર્યવાહી કરવામાં આવે,’ એમ પવારે વધુમાં કહ્યું હતું.

મરાઠી ન્યૂઝ ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ વીડિયોમાં કરમાળાના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી અંજના કૃષ્ણા સ્થાનિક એનસીપી કાર્યકરના ફોન પર પવાર સાથે વાત કરતા દેખાય છે. તેણે શરૂઆતમાં પવારનો અવાજ ઓળખ્યો નહોતો.

પવારે ત્યારબાદ પોલીસ અધિકારીને વીડિયો કોલ કર્યો હતો અને કથિત રીતે ગેરકાયદે ખોદકામ સામે કાર્યવાહી બંધ કરવા કડક સ્વરમાં આદેશ આપ્યો હતો.

મુરુમ માટીનો ઉપયોગ રસ્તાના બાંધકામમાં થાય છે. આ દરમિયાન બાબા જગતાપ, નીતિન માલી, સંતોષ કાપરે, અન્ના ધાણે અને 15થી 20 અન્ય લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની જાહેર સેવકને તેમની ફરજ બજાવવાથી રોકવા માટે હુમલો કરવો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો, ગેરકાયદેસર ભેગા થવું અને પર્યાવરણ સંરક્ષણ કાયદાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો, એમ કુર્દુવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું.

અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના 31 ઓગસ્ટે બની હતી જ્યારે મહેસૂલ વિભાગના અધિકારીઓ આઈપીએસ અધિકારી અંજલિ કૃષ્ણા સાથે ગેરકાયદે ખોદકામ સામે કાર્યવાહી કરવા માટે કાપરે પહોંચ્યા હતા.
આરોપીઓએ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે, એમ તેમણે જણાવ્યું હતું.
હવે આ કેસના બંને વીડિયો વાયરલ થયા છે.

આ પણ વાંચો…મહિલા આઈપીએસ અધિકારીની હિંમતને સલામઃ અજિત પવાર સાથે થયેલી દલીલનો વીડિયો વાયરલ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button