મહિલા આઈપીએસ અધિકારીની હિંમતને સલામઃ અજિત પવાર સાથે થયેલી દલીલનો વીડિયો વાયરલ

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બે રીતે વિવાદોમાં સપડાયા છે. એક તો ગેરકાયદે થતાં ખનને રોકવાનો વિરોધ અને બીજું એક મહિલા આઈપીએસ અધિકારી સાથે તેમની તોછડાઈવાળો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો છે. આ વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે અને એનસીપીએ સ્પષ્ટતા કરવાની જરૂર પડી છે.
મૂળ કેરળની અને હાલમાં સોલાપુરમાં સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકે કામ કરતી અંજલિ ક્રિષ્ણાનો અજિત પવાર સાથે વાત કરતો વીડિયો વાયરલ થયો છે. અંજલિએ ગેરકાયદે ચાલી રહેલા ખનનને રોકી રહી હતી ત્યારે જ અજિત પવાર સાથેનો તેનો વીડિયો વાયરલ થયો. વીડિયોમાં અજિત પવાર મહિલા અધિકારીને કહે છે કે તમે પગલા લેવાનું બંધ કરો અને તહેસિલદારને કહી દેજો કે નાયબ મુખ્ય પ્રધાનના કહેવાથી કાર્યવાહી બંધ કરી દેવામાં આવી છે. આ ફોન બીજા કોઈ વ્યક્તિનો હોવાથી મહિલા કહે છે કે તમે મારા નંબર પર ફોન કરો તો જ હું વિશ્વાસ કરી શકીશ કે તમે અજિત પવાર વાત કરો છો.
તેની આ વાતથી ગુસ્સે ભરાયેલા પવારે કટાક્ષમાં તેમને વીડિયો કોલ કરવા કહ્યું અને મહિલા અધિકારીને ટોણો માર્યો કે મારો ચહેરો જોઈને તો મને ઓળખી જશો ને? ત્યારબાદ એમ પણ કહેતા સંભળાય છે કે તમારી આવી હિંમત કઈ રીતે થઈ? આ સાથે નાયબ મુખ્ય પ્રધાનના આદેશને ન પાળવા બદલ પગલાં લેવાની ધમકી પણ આપી હતી.
મહિલાની આ હિંમતને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. શિવસેના (UBT)ના મહિલા નેતા સુષ્મા અંધારેએ જણાવ્યું હતું કે મહિલા અધિકારીએ કંઈ જ ખોટું કર્યું નથી. એક તો તેમનની કાર્યવાહી અટકાવવાની કોઈ જરૂર ન હતી અને તેમણે ફોન પર વાત કરતી વ્યક્તિ નાયબ મુખ્ય પ્રધાન છે કે નહીં તે ખરાઈ કરવાની કોશિશ કરી તેમાં કંઈ જ ખોટું નથી. વીડિયો જેમ જેમ વાયરલ થતો જાય છે તેમ તેમ લોકો અજિત પવારની વર્તણૂકને વખોડી રહ્યા છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રના થાણે જીલ્લામાં મુસ્કાનની દર્દનાક હત્યા, આરોપીએ લાશના 17 ટુકડા કર્યા…