અજિત પવારના બેનર્સમાંથી શિંદે-ફડણવીસ ગાયબ
બેઠકોની વહેંચણીઃ મહાયુતિમાં બે બેઠક માટે ખેંચાખેંચી

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે અપેક્ષિત હતું એમ બેઠકોની વહેંચણીના મુદ્દે મડાગાંઠ ચાલી રહી છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષો બંનેમાં બેઠકોની વહેંચણીને લઇને ખેંચાખેંચ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ હાલમાં જ એક પત્રકાર પરિષદમાં આ અંગે ભવિષ્યવાણી પણ કરી હતી, જે સાચી ઠરી રહી છે.
મહાયુતિમાં કાગલ બેઠક માટે જ્યારે પુણેમાં ઇંદાપુરની બેઠકના મુદ્દે સમસ્યા ઉદ્ભવી છે. જ્યારે પુણેમાં અજિત પવાર જૂથે ભાજપ અને શિવસેના(એકનાથ શિંદે જૂથ)ને ઘેરામાં ઘાલવાનો પ્રયત્ન કર્યો હતો. પુણેમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના હસ્તે 300 કરોડ રૂપિયાના વિકાસકામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: શરદ પવાર એક્ટિવ મોડમાં: અજિત પવારના પક્ષમાં અને ભાજપમાં છીંડા પાડશે
જોકે, આ દરમિયાન લગાવાયેલા બેનરો અને પોસ્ટરો પરથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ફોટો ગાયબ હતા. જેને પગલે ભાજપના નેતા તેમ જ ભૂતપૂર્વ વિધાનસભ્ય જગદીશ મુળીકે વાંધો ઉઠાવ્યો હતો. શું મહાયુતિમાં ફક્ત ભાજપ, શિવસેના અને આરપીઆઇ જ યુતિ ધર્મ પાળશે, એવો સવાલ જગદીશ મુળીકે કર્યો હતો.
આ પૂર્વે અજિત પવારની જનસન્માન યાત્રા દરમિયાન જુન્નરમાં ભાજપના પદાધિકારીઓએ તેમને કાળા વાવટા દેખાડ્યા હતા અને વિરોધ કર્યો હતો. જુન્નરના વિધાનસભ્ય અતુલ બેનકેએ બેનર પર શિંદે અને ફડણવીસના ફોટા ન હોવા બદલ આ વિરોધ દર્શાવ્યો હતો. જોકે, અજિત પવારે આ મામલાને વધુ મહત્ત્વ આપવાની જરૂર ન હોવાનું જણાવી વિવાદને શમાવવા પ્રયાસ કર્યો હતો.