અમોલ કોલ્હે સામે અજિત પવારે મોરચો માંડ્યો: શિરૂરમાં કોલ્હેને હરાવીશ-કોલ્હેએ કહ્યું અજિત પવારને કાન પકડવાનો અધિકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે-ત્રણ વર્ષ પહેલાં રાજીનામું આપી દઈશ એમ કહેતા હતા, પરંતુ ચૂંટણી આવે એટલે લોકોને પદયાત્રા કે પછી સંઘર્ષયાત્રા કાઢવાનું સૂઝે છે. લોકશાહીમાં આવી રીતે યાત્રા કાઢવાનો બધાને અધિકાર છે, પરંતુ પાંચ વર્ષ મતદારસંઘમાં ધ્યાન આપવાની જરૂર હતી એવી ટીકા કરતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે એનસીપીના શરદ પવાર જૂથના સંસદસભ્ય અમોલ કોલ્હેને શિરૂર મતદારસંઘમાંથી પરાજિત કરી દેખાડવાનો પડકાર ફેંક્યો હતો. બીજી તરફ અજિત પવારની ટીકાનો જવાબ આપતાં અમોલ કોલ્હેએ ‘હું તૈયાર છું’ કહ્યું છે.
અજિત પવારની ટીકાનો જવાબ આપતાં કોલ્હેએ કહ્યુું હતું કે ‘તેઓ ઘણા મોટા નેતા છે. તેમના પડકારને પ્રતિ પડકાર આપવા જેટલો હું મોટો નથી. હું એક સામાન્ય કાર્યકર્તા છું. મને શિરૂરમાંથિ ફરી ઉમેદવારી આપવામાં આવશે તો હું ચોક્કસ આ ભાગનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટણી લડીશ. શરદ પવાર આ અંગે જે નિર્ણય લેશે તે મને માન્ય રહેશે. ચૂંટણી એક માધ્યમ છે અને સત્તા એક સાધન છે.
જનતા નક્કી કરશે કે મારે સત્તાની સાથે રહેવું કે પછી તત્વ અને મુલ્યોની સાથે રહેવું.’
ખેડૂતો માટે પદયાત્રા કાઢવામાં શું ખોટુંં છે? કારણ કે તેમને પણ ખબર છે કે કાંદા પર નિકાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી ખેડૂતોને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને માટે કાઢવામાં આવી રહેલી પદયાત્રાને તેમણે (અજિત પવારે) સમર્થન આપવું જોઈએ. હવે તે સરકારમાં છે તો કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને કાંદા પરની નિકાસબંધી ઉઠાવી લેવામાં યોગદાન આપવું જોઈએ.
શિરૂરની કાયાપલટ કરવામાં શરદ પવારનું યોગદામ છે. તેમના જ નેતૃત્વ હેઠળ હું શિરૂરનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. ચૂંટણી એટલે પડકાર અને તેનો જવાબ હોવો જ જોઈએ. અહીંના પ્રશ્ર્નો સંસદ સુધી કોણ પહોંચાડશે તે જોવાનું હોય છે, એમ પણ તેમણે કહ્યું હતું.
અજિત પવારની ટીકાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષ મતદારસંઘ પર ધ્યાન ન આપ્યું એમ કહેવા કરતાં તેમણે જો પહેલાં જ મારો કાન આમળ્યો હોત તો હું સુધરી ગયો હોત. તેમને મારા કાન પકડવાનો અધિકાર હતો. કશો વાંધો નહીં, હવે તેમણે મારો કાન આમળ્યો છે તો હું સુધારાનો ચોક્કસ પ્રયાસ કરીશ.