આમચી મુંબઈ

અજિત પવારે જાલનામાં સ્વચ્છતાના અભાવે અધિકારીઓની ઝાટકણી કાઢી

જાલના: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જાલનામાં શહેરમાં સ્વચ્છતાના અભાવના મુદ્દે સ્થાનિક વહીવટીતંત્રની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે અધિકારીઓને ચેતવણી પણ આપી હતી.
સોમવારે એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં, પવારે શહેરની રેઢિયાળ સ્થિતિ પર નારાજી વ્યક્ત કરી હતી અને અંગુલિનિર્દેશ કર્યો હતો કે જાહેર સ્થળોએ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.

‘આ શહેરની સ્થિતિ જોઈને હું ગભરાઈ ગયો હતો. જનપ્રતિનિધિઓ આ ગંદકી પર કેમ ધ્યાન નથી આપી રહ્યા? તમે શું કરી રહ્યા છો? શું તમને આ દેખાતું નથી?’ એવા સવાલ પવારે સભાને સંબોધતા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે 100 દિવસની સ્વચ્છતા ઝુંબેશ ચલાવી હતી, પરંતુ જાલનામાં તેની કોઈ અસર દેખાતી નથી. પવારે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર વાર્ષિક 7 લાખ કરોડ રૂપિયાની આવક ઉત્પન્ન કરે છે, જેમાંથી 3.5 લાખ કરોડ રૂપિયા સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન પર ખર્ચ થાય છે.

‘આ અધિકારીઓને સ્વચ્છતા જાળવવા માટે કેમ જવાબદાર ઠેરવવામાં આવતા નથી?’ એવો સવાલ પવારે ઉપસ્થિત કર્યો હતો. તેમણે વિધાનસભ્ય અર્જુન ખોતકરના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે તેમના ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ હતો.

Also read: જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં

‘જો તેમના નિવાસસ્થાનની આસપાસ સ્વચ્છતા હોઈ શકે, તો બાકીના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની છે?’ એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું હતું. પવારે એમ પણ કહ્યું હતું કે, તેમણે કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના અભાવ અંગે જિલ્લા કલેક્ટરની પણ ઝાટકણી કાઢી હતી. નાયબ મુખ્યમંત્રીએ આ વિસ્તારમાં ફેક્ટરીઓ દ્વારા થતા પ્રદૂષણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રિયતા માટે ટીકા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button