અજિત પવાર એવું શું બોલ્યા છે કે હવે ભાજપે પણ કહ્યું કે અમારે સંબંધ….

અજિત પવારે આપેલા નિવેદન વિશે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અજિત પવારે મોટા સાહેબ(શરદ પવાર)ને વંદન કર્યા કે પછી સુપ્રિયા બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો તેનાથી ભાજપને કોઇ સંબંધ નથી, કારણ કે વડીલોનો આદર કરવો અને રૂઢિવાદી પરંપરા કાયમ રાખવી એ જ અમારા આદર્શ છે. જોકે દ્વેષ ફેલાવતા સંજય રાઉત જેવા નેતા જાહેરમાં સુપ્રિયા સુળેને અજિત પવારને રાખડી ન બાંધવાની સલાહ આપે છે તે તેમની સામાજિક વિકૃતિને દર્શાવે છે. રાજકારણમાં વિચારધારા અને વ્યક્તિગત સંબંધમાં ફરક હોય છે.
ઉલ્લેખનીય છે કે અજિત પવારે મંગળવારે તેમણે લોકસભાની ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુળે વિરુદ્ધ પોતાના પત્ની સુનેત્રા પવારને ઊભા રાખીને ભૂલ કરી હોવાનું નિવેદન આપ્યું ત્યારબાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષ તરફથી આ નિવેદન પર વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અજિત પવારે કરેલી ભૂલની કબૂલાત પછી હવે પ્રફુલ્લ પટેલે આપ્યું આ નિવેદન
અજિત પવારે પોતે કુટુંબમાં રાજકારણને ઘૂસવા દેવું ન હતું તેમ કહીને પસ્તાવો વ્યક્ત કર્યો હતો. સુપ્રિયા સુળેએ પણ અજિત પવારના નિવેદન બાદ કહ્યું હતું કે ભાઇઓએ પણ ક્યારેય બહેનનો પ્રેમ પારખી જોવો જોઇએ. ભાઇએ કહ્યું હોત તો પક્ષ કે ચિહ્ન તો શું બધું જ આપી દીધું હોત.
જ્યારે બીજી બાજુ કોંગ્રેસે અજિત પવારને ભવિષ્યમાં તેમણે બીજી પણ ઘણી બધી ભૂલો કરી હોવાનું ભાન થશે તેમ જણાવ્યું હતું. અજિત પવારના નિવેદન અને ત્યાર બાદ આવતી પ્રતિક્રિયાઓને પગલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કાકા-ભત્રીજા એટલે કે શરદ પવાર અને અજિત પવાર એકસાથે આવી શકે તેવી શક્યતા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.