આ અંતિમ ચૂંટણી હશેઃ અજિત પવારે કોના માટે આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો?
![Supplementary demands of Rs.8609 crore presented in the assembly](/wp-content/uploads/2023/11/Ajit-Pawar_1688443832826_1688443833317-780x470.webp)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે નામ લીધા વિના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સ્થાપક શરદ પવારની ઉંમર સામે ઈશારો કરી ‘આ તેમની અંતિમ ચૂંટણી હશે’ એવું મોટું નિવેદન આપ્યું હતું.
શરદ પવારે જૂથે એનો વળતો જવાબ આપી અજિત પવારની પ્રતિક્રિયા અમાનવીય હોવાનું જણાવ્યું હતું અને નાયબ મુખ્ય પ્રધાન પક્ષના સ્થાપકના ‘મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા છે’ એવો આક્ષેપ કર્યો હતો.
ગયા વર્ષે જુલાઈમાં એનસીપીમાં ઊભી તિરાડ પાડી આઠ વિધાનસભ્ય સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયેલા અજિત પવારે બારામતી ખાતે મેદનીને સંબોધતા નામ લીધા વિના શરદ પવાર (83) પર શાબ્દિક હુમલો કરી નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કેટલાક લોકો ક્યારે અટકવાનું નામ લેશે એની મને ખબર નથી પડતી. આ કદાચ અંતિમ ચૂંટણી હોવાથી એની સાથે ભાવનાત્મક સંબંધ જોડાયો હોય. જોકે, છેલ્લી ચૂંટણી કઈ હશે એ હું નથી જાણતો.’
આની સામે વળતો પ્રહાર કરી શરદ પવાર જૂથના વિધાનસભ્ય જીતેન્દ્ર આહવાડે જણાવ્યું હતું કે ‘તેમની પ્રતિક્રિયા દ્વારા મુખ્ય પ્રધાન શિષ્ટતાની હદ વટાવી ગયા છે. અજિત પવાર કયા પ્રકારની વ્યક્તિ છે એ મહારાષ્ટ્ર સારી પેઠે જાણે છે. મહારાષ્ટ્ર માટે શરદ પવારે આપેલું યોગદાન ક્યારેય નહીં વિસરાય.’