અજિત પવારે રણશિંગું ફૂંક્યું: લોકસભાની ચાર બેઠકો લડશે, સુપ્રિયા સુળે સામે પણ આપશે ઉમેદવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે અને તેનો પ્રારંભ રાજ્યમાં સત્તા પર રહેલી મહાયુતિમાં લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દા પર થઈ શકે છે એવા એંધાણ શુક્રવારે મળ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કર્જત ખાતેના પક્ષની કારોબારીની બેઠકમાં લોકસભાની ચાર બેઠકો પર લડવાની જાહેરાત કરી હતી. આ ચાર બેઠકમાં સાતારા, શિરુર, રાયગઢ અને બારામતીની બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત અજિત પવારે કરી હતી.
તેમની આ જાહેરાત અન્ય રીતે પણ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે, કેમ કે અત્યાર સુધી પોતાની બહેન સુપ્રિયા સુળે સામે ઉમેદવાર ન આપવાનું વલણ અપનાવી રહેલા અજિત પવારે હવે પોતાની બહેન સામે ઉમેદવાર ઉતારવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ બધાને કારણે ભાજપે બારામતીનો ગઢ તોડવા માટે ભાજપ દ્વારા છેલ્લા બે વર્ષથી કરવામાં આવેલી મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા દેખાઈ રહી છે અને ભાજપમાં આંતરવિગ્રહનું કારણ બની શકે એવું લાગી રહ્યું છે.
એનસીપીના બંને જૂથો આ ચારેય બેઠક પર સામસામે આવશે એવું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે. અત્યારે સાતારામાંથી શ્રીનિવાસ પાટીલ, બારામતીથી શરદ પવારનાં પુત્રી અને અજિત પવારના બહેન સુપ્રિયા સુળે અને શિરુરમાંથી અમોલ કોલ્હે સંસદસભ્ય છે અને તેઓ શરદ પવાર જૂથમાં છે, જ્યારે રાયગઢમાંથી અજિત પવાર જૂથના સુનિલ તટકરે સંસદસભ્ય છે. 2019માં ચારેય બેઠક એનસીપી જીત્યું હતું.
અજિત પવારે કારોબારીને સંબોધતાં કહ્યું હતું કે આ ચાર મતદારસંઘ ઉપરાંત જે મતદારસંઘ અત્યારે ઠાકરે જૂથ પાસે છે તે મતદારસંઘમાં એનસીપીની (અજિત પવાર જૂથ)ની તાકાત વધારે હોય ત્યાં ભાજપ અને શિવસેના સાથે ચર્ચા કરીને વધારાના ઉમેદવાર ઊભા રાખવાના પ્રયાસ કરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું.
ચાર બેઠકના કોણ છે સંભવિત ઉમેદવાર?
અજિત પવારે લોકસભાના જે ચાર મતદારસંઘમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેના સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. બારામતીમાં સુપ્રિયા સુળેની સામે સુનેત્રા પવારને ઉતારવામાં આવી શકે છે. સુનેત્રા પવાર અજિત પવારનાં પત્ની છે. સુનેત્રા પવાર અનિચ્છા વ્યક્ત કરે તો પાર્થ પવારને ઉમેદવારી મળી શકે છે.
શિરુરમાં અમોલ કોલ્હેની સામે અજત પવાર જૂથમાંથી દિલીપ વળસે-પાટીલને ઉમેદવારી મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સાતારામાં શ્રીનિવાસ પાટીલની સામે રામરાજે નાઈક-નિંબાળકર અથવા તો નીતિન પાટીલને ઉમેદવારી મળી શકે છે. રાયગઢના સંસદસભ્ય સુનીલ તટકરે પોતાની બેઠક પરથી ફરીથી લડશે એવું કહેવાઈ રહ્યું છે.
મોદીને ત્રીજી વખત વડા પ્રધાન બનાવવા તાકાત લગાવો
અજિત પવારે ચાર બેઠકોની જાહેરાત કરી નાખ્યા પછી એમ પણ કહ્યું હતું કે લોકસભાની બેઠકોની વહેંચણીના મુદ્દા પર બધાની સાથે ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે. પાંચ રાજ્યના પરિણામો જાહેર થયા બાદ આ બાબતની ચર્ચા કરવામાં આવશે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે અત્યારે આપણી બધી તાકાત એનડીએની સાથે લગાવીએ અને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન પદે સ્થાપિત થવા જોઈએ એવી બધાની ઈચ્છા છે અને તેને માટે આપણા વિચારોની સરકાર ચૂંટી લાવવાની છે, એમ પણ તેમણે કહ્યું હતું.