આમચી મુંબઈ

પાલિકાના ઠરાવ દ્વારા દારૂના લાઇસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી: અજિત પવારે વિધાનસભાને જણાવ્યું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે હાલના નિયમો હેઠળ એવી કોઈ કાનૂની જોગવાઈ નથી કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનોને તેમના અધિકારક્ષેત્રમાં દારૂના લાઇસન્સ રદ કરવાના ઠરાવો પસાર કરવાની મંજૂરી આપે.

નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં ‘દારૂબંધી’ અંગેની ચર્ચા દરમિયાન પવારે એવી સ્પષ્ટતા કરી હતી કે આવા કોઈપણ ઠરાવને માન્ય ગણી શકાય નહીં. નાણાં અને રાજ્યના આબકારી ખાતાની જવાબદારી ધરાવતા નાયબ મુખ્ય પ્રધાને નોંધ્યું હતું કે જો ખારઘર જેવા ચોક્કસ વિસ્તારમાં દારૂ પર પ્રતિબંધ મૂકવાની નિયત પ્રક્રિયા મુજબ સરકારને ઔપચારિક અરજી પાઠવવામાં આવશે, તો હાલના નિયમો અનુસાર આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

રાયગઢ જિલ્લાના પનવેલના ભાજપના વિધાનસભ્ય પ્રશાંત ઠાકુરે ખારઘરમાં દારૂના લાઇસન્સ રદ કરવા અને તેને દારૂમુક્ત ઝોન જાહેર કરવા અંગે ધ્યાનાકર્ષક નોટિસ આપી હતી.પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)એ 2023માં ખારઘરને દારૂ મુક્ત ઝોન જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. સરકારે પીએમસી હેઠળ આવતા નોડમાં દારૂના લાઇસન્સ રદ કરવા જોઈએ અને કોર્પોરેશનના ઠરાવના સારને સમર્થન આપવું જોઈએ, એમ ઠાકુરે જણાવ્યું હતું.

‘જ્યારે મારો વ્યક્તિગત મત એ છે કે કોઈએ દારૂનું સેવન ન કરવું જોઈએ, પરંતુ લોકશાહીમાં નાગરિકો પોતાની પસંદગી કરવા માટે સ્વતંત્ર છે,’ એમ પવારે નોંધ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ભૂતકાળમાં દારૂબંધી લાગુ કરવામાં આવી હતી. જોકે, એવા કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં રાજ્યના દારૂબંધી ધરાવતા જિલ્લાઓના યુવાનો પડોશી વિસ્તારોમાંથી દારૂ મેળવે છે અને ગેરકાયદે વિતરણમાં જોડાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
1972થી રાજ્યમાં કોઈ નવા દારૂના લાઇસન્સ આપવામાં આવ્યા નથી, જોકે હાલના લાઇસન્સનું એક જગ્યાએથી બીજા સ્થાને ટ્રાન્સફર યોગ્ય પ્રક્રિયા દ્વારા કરવાની મંજૂરી છે, એમ તેમણે નીચલા ગૃહને જણાવ્યું હતું.

2008 અને 2009માં જારી કરાયેલ સરકારી સૂચનાઓ અનુસાર, જો મ્યુનિસિપલ કાઉન્સિલ અથવા કોર્પોરેશનના વોર્ડમાં કુલ મતદારો અથવા મહિલા મતદારોમાંથી ઓછામાં ઓછા પચીસ ટકા દારૂબંધી લાગુ કરવા માટે લેખિત વિનંતી સબમિટ કરે, તો જિલ્લા કલેક્ટરે ગુપ્ત મતદાન કરાવવું જરૂરી છે. જો કુલ મતદારોમાંથી 50 ટકાથી વધુ અથવા મહિલા મતદારો દારૂબંધીની તરફેણમાં મતદાન કરે, તો સૂચનાઓ અનુસાર, તે વિસ્તારમાં દારૂના લાઇસન્સ રદ કરવાના આદેશો જારી કરવામાં આવશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતને મ્યુનિસિપલ કાઉન્સિલ અથવા કોર્પોરેશનમાં અપગ્રેડ કર્યા પછી દારૂના લાઇસન્સ નિયમન અંગે સમયાંતરે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. સરકારે પુનરોચ્ચાર કર્યો હતો કે દારૂના લાઇસન્સ રદ કરવાનો નિર્ણય સભાઓમાં હાજર નાગરિકોના અભિપ્રાય પર નહીં પરંતુ સંબંધિત વોર્ડમાં કુલ નોંધાયેલા મતદારો અથવા મહિલા મતદારોના 50 ટકાથી વધુની બહુમતી પર આધારિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button