આમચી મુંબઈ

કાર દ્વારા જવાનું નક્કી હતું, અજિત પવારના ડ્રાઈવરે કર્યો અંતિમ રાત્રિનો મોટો ખુલાસો…

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અવસાન પછી તેમના નજીકના સહયોગીમાંના એક અને અંગત ડ્રાઇવર શ્યામરાવ મનવેએ અજિતદાદા સાથેની અંતિમ રાત્રિની વાત કરી હતી. મનવેના ખુલાસાઓથી જાણ થઇ હતી કે અજિત પવારની મુસાફરીનો પ્લાન એક રાતમાં બદલાઈ ગયો હતો અને કહ્યું હતું કે દાદા શિસ્તનું ચુસ્ત રીતે પાલન કરતા.

શ્યામરાવ મનવેએ કહ્યું કે હું 2009થી અજિતદાદા સાથે છું. હું અગાઉ સરકારી સેવામાં હતો, અને 2013માં નિવૃત્ત થયા પછી હું છેલ્લા 12 વર્ષથી અંગત રીતે તેમના ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યો છું. દાદા સ્વચ્છતાના આગ્રહી અને સમય પાલનમાં ચુસ્ત હતા. જો તેઓ સવારે 6 વાગ્યે તૈયાર રહેવાનું કહેતા તો અમે બધા 5:30 સુધીમાં તૈયાર થઈ જતા. લોકો માને છે કે તેઓ કડક હતા, પણ એ ખોટું છે. તેઓ ફક્ત એક શિસ્તપ્રિય વ્યક્તિ હતા, ક્યારેય કોઈને કારણ વગર કંઈ કહેતા નહીં.

‘મીટિંગમાં મોડું થયું …’
શ્યામરાવ મનવે તે રાતને યાદ કરીને કહ્યું કે મંગળવારે કેબિનેટની બેઠક પૂરી થયા પછી અમે પુણે અને પછી બારામતી જવા માટે રોડ માર્ગે મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. બારામતીમાં સવારે ૧૦ વાગ્યે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા માણસ શંકરે તો સામાન પણ ગાડીમાં મૂકી દીધો હતો.

99 ટકા નક્કી હતું કે અમે કાર મારફત મુસાફરી કરીશું. મીટિંગ રાત્રે ઘણી મોડી પતી હતી. તેથી, છેલ્લી ઘડીએ, સવારે સીધા બારામતી જવાનો નિર્ણય લેવામાં આવ્યો. દાદાએ મને બીજા દિવસે કાર દ્વારા પુણે આવવાનું કહ્યું, અને પોતે બારામતીથી પુણે આવશે એમ જણાવ્યું હતું.

અજિત પવારના દયાળુ સ્વભાવ વિશે તેમણે કહ્યું હતું કે સામાન્ય માણસ હોય કે મોટો માણસ હોય, તેઓ બધાને મદદ કરતા હતા. કોરોનાકાળ દરમિયાન પણ તેઓ બંગલાની મુલાકાતે આવતા. મીડિયા કર્મચારીઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવા માટે કહેતા હતા. અજિત પવારને યાદ કરતાં શ્યામરાવે કહ્યું કે મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. મારું મન હજુ પણ કહે છે કે દાદા આપણી વચ્ચે છે, તેઓ ક્યાંય ગયા નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button