ભાજપના પ્રચારકોથી પવાર-શિંદે મુંઝાયા, આ રીતે છેડો ફાડ્યો
મુંબઈઃ મહારાષ્ટ્રના દરેક પક્ષો મન મારીને એકબીજા સાથે ચૂંટણી લડી રહ્યા છે તે વાત સૌ કોઈ જાણે છે. અલગ અલગ વિચારધારાવાળા લોકો માત્ર સત્તાની લાલચે એક થયા છે અને તેથી જનતા સામે જવું અઘરું બની જાય છે.
કૉંગ્રેસ-એનસીપી હંમેશાં સેક્યુલર પક્ષ તરીકે જનતા સામે આવ્યા છે. કૉંગ્રેસ પર મુસ્લિમ તૃષ્ટિકરણના આક્ષેપો પણ થાય છે, પરંતુ આ બન્ને પક્ષને મુસ્લિમ મતદારો પસંદ કરે છે, મત આપે છે. બીજી બાજુ શિવસેના કટ્ટર હિન્દુવાદી ચહેરો ધરાવે છે અને એક સમયે મુસ્લિમવિરોધી નિવેદનો આપવામાં પણ ખચકાતી ન હતી. ભાજપ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં હિન્દુત્વ તરફી રહ્યો છે અને ભગવા પક્ષ તરીકે જ જનતા સામે આવ્યો છે અને આ વલણ સાથે જ કેન્દ્રમાં અને ઘણા રાજ્યોમાં ચૂંટણી જીતી ચૂક્યો છે.
હવે મહારાષ્ટ્રમાં બન્ને વિરોધી વિચારધારાવાળા પક્ષના એક એક જૂથ ભાજપ અને કૉંગ્રેસ સાથે ભળ્યા છે, આથી પ્રચાર સમયે તકલીફો ઊભી થાય તે સ્વાભાવિક છે.
સૌથી મોટી સમસ્યા હાલમાં અજિત પવારની એનસીપી ભોગવી રહી છે. ભાજપના પ્રખર હિન્દુવાદી નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો બટેંગે તો કટેંગેનો નારો પવાર અને શિંદે બન્નેને પસંદ આવ્યો નથી. સૌથી વધારે સભા યોગીની છે ત્યારે તેઓ આ પ્રકારના વિભાજનવાદી લાગે તેવા પ્રચારથી દૂર રહેવા માગે છે. અજિત પવારને પોતાની 53 વિધાનસભાની બેઠકો પર મુસ્લિમ મતદારોનું સમર્થન મળી રહે તેવી પૂરી આશા છે. જેમાંથી અમુક બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. બટેંગે તો કટેંગેનો નારો તેમના આ મતદારોને નારાજ કરી શકે તેમ છે.
બીજી બાજુ એકનાથ શિંદે ભલે ભગવા પક્ષના હોય, પરંતુ થાણે, મુંબ્રા અને મુંબઈ સહિતની ઘણી બેઠકો પર તેમના ઉમેદવાર ઊભા છે અને તેમના સ્વચ્છ ચહેરા અને લાડલી બહેન જેવી યોજનાઓને લીધે મુસ્લિમ મત પણ તેમના તરફ ઢળશે, તેવી આશા તેમને છે. આ પ્રકારના વિભાજન દર્શાવતા નારા કે પ્રચાર મુસ્લિમ મતદારોને મહાયુતીથી દૂર કરશે, તેવું તેમને લાગે છે.
અગાઉ અજિત પવારે કહ્યું હતું કે તેઓ ભલે ભાજપ સાથે રહી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ આ પ્રકારના નારા સાથે સહમત નથી. મળતી માહિતી સુધી અજિત પવાર પોતાની બેઠકો પર ભાજપ નેતાને પ્રચારથી દૂર રાખવા માગે છે. તો શિંદેએ પણ કહી દીધું છે કે આ પ્રકારના નારા મહારાષ્ટ્રમાં કામ નહીં આવે. યોગી બાદ મોદીએ પણ એક હૈ તો સેફ હૈનો નારો આપ્યો છે.
Also Read – Assembly Elections: ભાજપ પૂરી ક્ષમતા સાથે મેદાનમાં, વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને ભાજપ આધ્યક્ષ સભાઓ ગજવશે
ભાજપ સ્વાભાવિક રીતે હિન્દુ મતદારો પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે અને તેમના વાયદાઓમાં અને પ્રચારમાં આ વાત બહાર આવે છે, પરંતુ સૂત્રોનું માનીએ તો મહાયુતીના બન્ને પક્ષને આ વાત અકળાવી રહી છે.